ઈ-વે બિલને ફાસ્ટેગ સાથે લિન્ક કરવામાં આવશે

ઈ-વે બિલને ફાસ્ટેગ સાથે લિન્ક કરવામાં આવશે
નવી દિલ્હી, તા.20 : મહેસૂલ વિભાગ ઈ-વે બિલને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ની ફાસ્ટેગ મિકેનિઝમ અને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર કન્ટેનર ટ્રેકિંગ સર્વિસીસ (ડીએમઆઈસી)ના લોજિસ્ટિક ડેટા બૅન્ક (એલડીબી) સર્વિસીસ સાથે જોડવાની યોજના બનાવી રહી છે, જેથી માલની હેરફેર સાથે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કરચોરીની તપાસ પણ ઝડપી બની શકે. અધિકારીઓના મતે આ પ્રસ્તાવથી દેશમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારો થશે. 
હાલમાં દેશમાં `ટ્રેક અને ટ્રેસ' મિકેનિઝમનો અભાવ છે, કેમ કે વિવિધ એજન્સીઓ પાસેથી માહિતી એકઠી કરવી પડતી હોવાથી `ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'નો હેતુ સાધ્ય થતો નથી. ઉપરાંત કંપનીનો લોજિસ્ટિક ખર્ચ પણ વધે છે. અધિકારીઓના મતે, સપ્લાયના સંપૂર્ણ માળખામાં જે ત્રુટીઓ છે તેનો લાભ લઈને કર ચોરી કરનારા વેપારીઓને પકડી પાડવામાં પણ સહેલાઈ રહેશે. 
કર ચોરી પકડવાના ભાગરૂપ 1 એપ્રિલ, 2018ના રોજ $50,000થી વધુના માલની હેરફેર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરવા માટે ઈ-વે બિલનો અમલ થયો હતો. આંતરરાજ્ય ઈ-વે બિલ પ્રણાલી પણ 15 એપ્રિલથી અમલમાં
આવી હતી. 
ઈ-વે બિલ પ્રણાલીને ફાસ્ટેગ અને એલડીબી સાથે સંકલિત કરવાથી કર વસૂલી વધશે, કેમ કે હાલમાં રોકડના ધોરણે થતા વેપાર બંધ થશે, એમ અધિકારીઓએ કહ્યું હતું. ટોલ ઈલેટ્રોનિક ધોરણે લેવા માટે એનએચએઆઈ  દ્વારા ફાસ્ટેગ પ્રણાલી હાઈવેના ટોલનાકાઓમાં ગોઠવવામાં છે. ઈ-વે બિલને ફાસ્ટેગ સાથે જોડતા માલના વાહનની માહિતી મળશે, જેથી એ પણ ખબર પડશે કે વેપારીએ ઈ-વે બિલ બનાવતી વખતે જે માહિતી આપી છે તે સાચી છે કે નહીં. 
ઈ-વે બિલ પ્રણાલી દ્વારા સપ્લાયર્સ પણ પોતાના માલને ટ્રેક કરી શકશે. ટ્રાન્સપોર્ટ્સ પણ પોતાના વાહનના સ્થળથી અવગત હશે, કેમ કે દરેક ટોલનાકામાં વાહન પહોંચતા તેને એસએમએસ એલર્ટ મળશે. આવી જ રીતે ડીએસઆઈસી (એલડીબી પ્રોગ્રામ)ને ઈ-વે બિલ પ્રણાલી સાથે સંકલિત કરવાથી લોજિસ્ટિક ઈકોસિસ્ટમમાં સુધારો આવશે. અધિકારીઓએ કહ્યું કે, આ વિષયે અમૂક કાર્યકારી અને ટેકનિકલ પડકારોને લીધે આંતર-મંત્રાલયોની મંજૂરી જરૂરી છે.
નવી પરોક્ષ કર પ્રણાલી જીએસટી 1 જુલાઈ, 2017ના રોજ અમલમાં આવ્યા બાદ સ્થિર થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સનું લક્ષ અનુપાલન અને કરચોરીની તપાસને વધારવાનું છે. કરચોરીના કેસ તપાસવા માટે સરકારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટલિજન્સ (ડીજીજીએસટીઆઈ)ની રચના કરી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer