ગૂગલ મેપ પર બૅન્કની બ્રાન્ચ સર્ચ કરનારા સાવધાન

ખોટા ફોન નંબરથી છેતરાઈ શકો છો
 
મુંબઈ, તા. 20 : ગૂગલ મેપમાં રહેલી ત્રુટીઓને કારણે કૌભાંડીઓને જાણે સોનાની ખાણ મળી ગઈ છે. ગૂગલ મેપમાંની ત્રુટીને કારણે કોઈ પણ કંપનીના સંપર્કની માહિતીમાં ફેરફાર કરી શકાય છે અને તેનો લાભ લઈને થાણેમાંની કૌભાંડીઓની કંપની આવી કંપનીઓના સંપર્ક નંબર કાઢીને પોતાના નંબર નાખી દે છે અને તેના પર ગ્રાહકો ફોન કરીને તેમનાં ખાતાઓની સંવેદનશીલ માહિતી આ કૌભાંડીઓને આપી દે છે.
મહારાષ્ટ્ર સાઈબર પોલીસના જણાવ્યા અનુસાર આ છેતરપિંડી એકાદ મહિના પહેલાં શરૂ થઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ કોઈ બૅન્કની ચોક્કસ બૅન્કની ગૂગલ પર સર્ચ કરે તો તેમાં બૅન્કનો ગૂગલ મેપ પેજ આવે છે, પરંતુ તેમાં જે ટેલિફોન નંબરની માહિતી હોય છે તે અને સરનામું કોઈ પણ વ્યક્તિ એડિટ કરી શકે છે. ગૂગલની યુઝર જનરેટેડ કૉન્ટેન્ટ પૉલિસીના ભાગરૂપે એ શક્ય બને છે.
છેલ્લા એક મહિનામાં અમને બૅન્ક અૉફ ઇન્ડિયાની ત્રણ ફરિયાદ મળી છે અને અમે તે અંગે તત્કાળ ગૂગલના સત્તાવાળાઓને જાણ કરી હતી, એમ રાજ્યના સાઈબર પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ લાલસિંગ રાજપૂતે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ઘણા ગ્રાહકો તેમની બૅન્કના ફોન નંબર જાણવા અૉનલાઈન સર્ચ કરે છે. ખોટો નંબર મળ્યા બાદ તેઓ માહિતી મેળવવા એ નંબર પર ફોન કરે છે. તેમને ખબર નથી હોતી કે તેઓ એક કૌભાંડી સાથે વાત કરી રહ્યા છે અને તે કોઈ પણ બહાના હેઠળ તેમના પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર (પીન) અથવા તેમનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડના સીવીવી નંબર જાણી લે છે અને પછી તેમના ખાતામાંથી નાણાં કઢાવી લે છે.
બૅન્ક અૉફ ઇન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમારી જાણમાં આ ઘટનાઓ આવ્યા બાદ અમે ગૂગલ મેપ પર અમારા સાચા નંબર જણાવ્યા હતા. અમે યુઝર્સને કહ્યું હતું કે તેઓ બ્રાન્ચ અંગેની વિગતો માટે બૅન્ક અૉફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર જાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer