અમને અનામત ક્યારે? મહારાષ્ટ્ર વિધાનસભામાં મુસ્લિમ સભ્યોએ મચાવી ધમાલ

એમઆઈએમના વારિસ પઠાણે સ્પીકરનો રાજદંડ આંચકી લીધો : ગૃહ ગુરુવાર સુધી મુલતવી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ અધિવેશનના બીજા દિવસે મુસ્લિમોના આરક્ષણને મુદ્દે વિપક્ષોના મુસ્લિમ વિધાનસભ્યોએ સ્પીકરનો રાજદંડ આંચકી લીધો હતો અને તેમના ભણી કાગળિયા ફાડી ફેંકયા હતા. આ ધાંધલને કારણે ગૃહની બેઠક બે વખત મુલતવી રાખવી પડી હતી. બાદમાં ગૃહની બેઠક ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
મરાઠા અને ધનગર આરક્ષણના મુદ્દા ગાજ્યા પછી કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમ (એમઆઈએમ)ના વિધાનસભ્યો અને મુખ્યત્વે મુસ્લિમ સભ્યો આક્રમક થયા હતા. તેમાં કૉંગ્રેસના અમીન પટેલ, અબ્દુલ સત્તાર, અસ્લમ શેખ અને આસીફ શેખ, રાષ્ટ્રવાદીના સતીષ પાટીલ, સમાજવાદી પાર્ટીના અબુ આઝમી તેમ જ એમઆઈએમના વારિસ પઠાણનો સમાવેશ થતો હતો. તેઓએ મચાવેલી ધાંધલને પગલે ગૃહની બેઠક દિવસ માટે મુલતવી રાખવી પડી હતી. બાદમાં બેઠક ગુરુવારે સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
એમઆઈએમના વારિસ પઠાણ અને ઇમ્તિયાઝ જમીલે મુસ્લિમ આરક્ષણના સમર્થનમાં ગઈકાલે `આમ્હી કધી સેલિબ્રેશન કરાયચે, સીએમ તારીખ જાહેર કરા' (અર્થાત અમે મુસ્લિમો આરક્ષણની ઉજવણી ક્યારે કરીએ? મુખ્ય પ્રધાન તેની તારીખ જણાવે) એવું લખાણ ધરાવતા પાટિયાં લહેરાવ્યાં હતાં.
કૉંગ્રેસના અમીન પટેલે જણાવ્યું હતું કે અમારી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીની સરકારે મુસ્લિમોને આરક્ષણ આપ્યું હતું પણ ફડણવીસ સરકાર તે માટે ઉદાસીન છે. અમે ગુરુવારે ફરી આ હેતુસર અવાજ ઉઠાવશું. હું આરક્ષણના સમર્થનમાં ગૃહમાં આક્રમક હતો પરંતુ મેં રાજદંડ ઉઠાવ્યો નહોતો.
એમઆઈએમના વારિસ પઠાણે જણાવ્યું હતું કે સાચર કમિટીના અહેવાલ અનુસાર મુસ્લિમોને આરક્ષણ મળવું જોઈએ. મેં રાજદંડ ઉઠાવ્યો હતો. અમે ગુરુવારે ફરી આ મુદ્દે અવાજ ઉઠાવશું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer