વધુ પડતું ગળ્યું ખાવાથી તરુણને લકવો

અડધું શરીર ખોટું પડી ગયા બાદ હવે તબિયતમાં સુધારો
 
પુણે, તા.20 : દિવાળીના તહેવારોમાં વધુ પડતું ગળ્યું (મીઠું) આરોગવાથી પુણેના રાજગુરુનગરના એક તરુણને પક્ષાઘાતના હુમલાના પગલે અડધું શરીર ખોટું પડી ગયાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે નિલેશ રાણે નામના તરુણને હાઇપોકૅલેમિક પેરિઅૉડીક પૅરાલિસીસ બીમારી હતી અને વધુપડતું ગળ્યું ખાવાનો શોખ તેને મોંઘો પડ્યો છે. ગળ્યું આરોગવાથી તેના શરીરમાં પૉટેશિયમનું પ્રમાણ ઘટી જતાં તેને પક્ષાઘાત થયાનું નિદાન થયું છે. 
સાતમી નવેમ્બરે નિલેશ તેની બહેનને ઘરે મૂકવા ગયો હતો ત્યારે અચાનક તેને અશક્તિ જણાયા બાદ તેના શરીરના સ્નાયુની હાલચાલ બંધ પડી જવા માંડી હતી. શરીરમાં અચાનક આ શું થઇ રહ્યું છે તે સમજવા તેને સ્થાનિક ડૉક્ટર પાસે લઇ જવાતાં નિષ્ણાત ડૉક્ટર પાસે મોકલાયો હતો. નિલેશને સાઇનાથ હૉસ્પિટલમાં લઇ જવાયા બાદ સારવાર શરૂ થઇ હતી. 
જો કે એક્સરે અને એમઆરઆઇ જેવા મશીનના ટેસ્ટમાં પણ ખરું કારણ પકડાયું નહોતું તેથી ડૉક્ટરોએ તેને 12 કલાકના નિરીક્ષણ હેઠળ રાખ્યો હતો. જો કે આ નિરીક્ષણમાં પણ તેની બીમારી ન પકડાયા બાદ તેને ઘરે જવા દેવાયો હતો.  જો કે નિલેશને ફરી એકવાર અશક્તિ જણાતા જહાંગીર હૉસ્પિટલમાં લઇ જવાતાં ત્યાં તેની બીમારી પકડાઇ હતી અને પક્ષાઘાતના હુમલાનું કારણ વધુપડતું ગળ્યું આરોગવાની આદત હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરોની સઘન સારવાર બાદ હવે નિલેશની તબિયતમાં ઝડપી સુધારો આવી રહ્યાંનું જાણવા મળ્યું છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer