કાશ્મીરમાં હિઝબુલના ચાર આતંકવાદી ઠાર : એક જવાન શહીદ

શોપિયાંના નાદિગામ સુરક્ષા દળોનું સફળ અૉપરેશન
 
શ્રીનગર, તા. 20: જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાએ હિઝબુલ મુઝાહીદ્દીનના ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો અને બે જવાનોને ઈજા પહોંચી હતી.  
પોલીસના કહેવા પ્રમાણે શોપિયા જિલ્લાનાં નાદિગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતીના આાધારે મંગળવારે સવારે સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ અભિયાન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને ભીષણ ગોળીબારમાં ચાર આતંકવાદી ઢેર થયા હતા. આ દરમિયાન શરૂઆતી ગોળીબારમાં સેનાના 23 પેરાના એક જવાન એચ.એસ.વિજય શહીદ થયા હતા. પ્રવક્તાના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકીની ઓળખ આબિદ નજીક ચોપન, બસરત નેનગ્રુ, મેહરાજુદ્દીન નજર અને મલિકજાદા ઈમામ-ઉલ-હક તરીકે થઈ છે. આ તમામ હિઝબુલ મુઝાહીદ્દીન સાથે જોડાયેલા હતા અને વિસ્તારમાં સુરક્ષા સંસ્થાનો ઉપર હુમલા અને લોકો ઉપરના અત્યાચારોમાં સામેલ હતા. આ સાથે આતંકીઓ પાસેથી ભારે માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer