શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર તીખો પ્રહાર

શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર તીખો પ્રહાર
રામમંદિર બાંધવું એ પણ એક ખોટો વાયદો હતો ?
 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 :  શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ભારતીય જનતા પાર્ટીને ટોણો મારતાં પૂછ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બાંધવાનું ભાજપનું વચન એ જુમલો (ખોટો વાયદો) હતો. તેમણે કહ્યું હતું કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ વિદેશથી બ્લેકમની પાછા લાવીને દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા કરાવાની વાત કરી હતી. શું રામમંદિર આના જેવો જ જુમલો છે?
 ઉદ્ધવે આ સાથે એવો પણ સવાલ કર્યો હતો કે શા માટે રામમંદિરના મુદ્દાને ચૂંટણી વખતે જ ઉપાડવામાં આવે છે. ચૂંટણી આવી કે આ મુદ્દો જોરશોરથી ઉપાડવામાં આવે છે અને ચૂંટણી પતી જાય ત્યાર બાદ એને ભૂલી જવાય છે.  આમ થવું ન જોઈએ. 
 તેમણે કહ્યું કે રાષ્ટ્રપિતપદની ચૂંટણી નજીક હતી ત્યારે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસને આગળ લાવવામાં આવ્યો જેથી પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી રાષ્ટ્રપતિ ન બની શકે. શિવસેનાપ્રમુખ 24 નવેમ્બરે બપોરે ખાસ પ્લેનમાં અયોધ્યા જવાના છે. `ચાલો અયોધ્યા'નો નારો ઉદ્ધવ ઠાકરેએ દશેરાના શિવસેનાના વાર્ષિક મેળવડામાં આપ્યો હતો. આની જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. સોશિયલ મીડિયા અને હોર્ડિંગ્સના માધ્યમથી ઉદ્ધવની આ મુલાકાતનો જબરો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મુંબઈના રામમંદિરમાં પણ આ સમયે આરતી કરવાની પક્ષની યોજના છે.
ઉદ્ધવ ઠાકરેએ આજે પાલિકાના વડી કચેરીના ભોંયતળિયામાં રિનોવેટ કરાયેલા નવા પ્રેસ રૂમનું ઇનોગ્રેશન કર્યું હતું. આ વેળાએ ઉદ્ધવે કહ્યું હતું કે પત્રકાર તરીકે કામ કરતાં પત્રકારો વિવિધ ઘટના અને પ્રસંગોની અખબારોમાં નોંધ લે છે માટે પત્રકારો એ ઈતિહાસના સાચા સાક્ષી છે. નવો પ્રેસ રૂમ આલીશાન છે અને એમાં પત્રકારોને કૉમ્પ્યુટર, વાઇફાઈ અને બીજી સુવિધા આપી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે કટોકટી બિલ્લીપગે આવી રહી છે. શું આપણે ચૂપ રહેવું જોઈએ! પત્રકારોએ તેમનો ઇરાદો નિર્ભેળ હોય તો આકરા શબ્દોમાં ટીકા કરતાં અચકાવું ન જોઈએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer