સુરતમાં જૈન સાધ્વીઓને સ્વરક્ષા માટે દંડ પ્રહારની તાલીમ અપાઈ

સુરતમાં જૈન સાધ્વીઓને સ્વરક્ષા માટે દંડ પ્રહારની તાલીમ અપાઈ
20 સાધ્વી મહારાજ તાલીમ શિબિરમાં જોડાઈ
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 20 :   શહેરના ગોપીપુરા વિસ્તારમાં નવા વર્ષની મોડી રાત્રિએ એક જૈન ઉપાશ્રયમાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસ થયો હતો. જૈન સાધ્વીજી સાથે છેડતીનો પ્રયાસ કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડીને જેલનાં સળિયા પાછળ ધકેલ્યો હતો. આ ઘટના બાદ શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સાધ્વીઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ તે માટે તેઓને સ્વબચાવની તાલીમ જરૂરી બની હોવાનો સૂર પ્રગટ થયો હતો. જેના ભાગરૂપે શહેરમાં પ્રથમ વખત જૈન સાધ્વી મહારાજને સ્વરક્ષણ માટે દંડપ્રહારની તાલીમ આપવામાં આવી છે. જેમાં 20 સાધ્વી મહારાજે ભાગ લીધો હતો. 
દેશભરમાં મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી. છાશવારે બળાત્કાર સહિતનાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવે છે. સામાજિક જીવનને ત્યજી સંયમ જીવન જીવનાર જૈન સાધ્વીઓ પણ જ્યારે દુષ્કર્મનો ભોગ બને છે ત્યારે સમાજ માટે વિચારવાનો સમય પાકી ગયો છે. બહેન-દીકરીઓને સ્વબચાવની તાલીમ આપવી જરૂરી છે. બહેન-દીકરીઓને સ્વબચાવની તાલીમના કલાસ ચાલે છે. પરંતુ, જૈન સાધ્વીઓ માટે પણ આ પ્રકારનાં ક્લાસનું આયોજન કરાયું હતું. અસામાજિક તત્ત્વોથી બચવા માટે રાષ્ટ્રસેવિકા સમિતિ દ્વારા દંડ પ્રહારની તાલીમ આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં પ્રથમ શિબિરમાં 20 સાધ્વી મહારાજે ભાગ લીધો હતો. 20 થી 40 વર્ષ ઉંમરની સાધ્વી મહારાજને પ્રથમ તબક્કે તાલીમ આપવામાં આવશે. 
ફુલચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક નિર્ણય છે જેમાં સાધ્વી મહારાજને સ્વરક્ષા માટેની તાલીમ આપવામાં આવી રહી છે. સાધ્વી મહારાજ પાસે લાકડી હોય છે પરંતુ, તેનો ઉપયોગ અસામાજિક તત્ત્વો સામે સ્વરક્ષા માટે કરવો જરૂરી બન્યો છે. 
પ્રથમ શિબિરમાં સાધ્વીજી મહારાજને લાઠી સહિતના દાવો શીખવામાં આવી રહ્યા છે. નોંધવું કે, ગોપીપુરાની ઘટનામાં આરોપીને જામીન મળી જતાં જૈન સમાજમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. 
શિબિરમાં ટ્રેનિંગ આપી રહેલાં ચંચલા ટોકરાવદએ કહ્યું હતું કે, સાધ્વીજીઓ માટે દંડપ્રહારનો અભ્યાસ નવી બાબત છે. નવો વિષય હોવાથી થોડી મુશ્કેલી છે પરંતુ ઝડપથી તેઓ શીખી જશે. તેઓને શારોમાર પ્રહાર, કંઠ પ્રહાર, જંગા પ્રહાર જેવો દંડ અભ્યાસ શીખવવામાં આવ્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer