2019ની ચૂંટણી ન લડવા સુષમાની ઘોષણા

2019ની ચૂંટણી ન લડવા સુષમાની ઘોષણા
મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે કેન્દ્રીય પ્રધાને કહ્યું, છતાં પક્ષ કહેશે એ શિરોમાન્ય
 
નવી દિલ્હી, તા.20 : દેશમાં 2019ની લોકસભા સામાન્ય ચૂંટણીની હવા આકાર લઈ રહી છે તેવા સમયે જ નરેન્દ્ર મોદીની સરકારના સોશિયલ મીડિયા પર સૌથી સક્રિય એવા કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે આગામી લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. આજે ઈન્દોરમાં પોતાના ખરાબ સ્વાસ્થ્યને આગળ ધરીને સ્વરાજે જાતે જ આ બાબતની જાહેરાત કરી હતી. જોકે તેમણે એમ પણ કહ્યું કે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષના મોવડીઓએ લેવાનો છે.
ભાજપના ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ પહોંચેલા સુષ્માએ ઈન્દોરમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં સવાલ-જવાબ દરમ્યાન આવતા વર્ષે આવી રહેલી લોકસભા ચૂંટણી ન લડવાનુ એલાન કર્યું હતું.
પત્રકારોને તેમણે કહ્યું કે  જો પાર્ટી નિર્ણય કરશે તો તેના પર વિચાર કરશે.
સુષ્માએ ઇન્દોરમાં પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, તેમણે પક્ષને પોતાની ઇચ્છા જણાવી દીધી છે, પરંતુ છેલ્લો નિર્ણય પાર્ટીનો જ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુષ્મા મધ્યપ્રદેશના વિદિશાથી લોકસભાના સાંસદ છે, તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે. બે વર્ષ પહેલાં જ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. પ્રખર વક્તા તરીકે જોણીતાં સુષ્મા ભાજપના કદાવર નેતા હોવાની સાથે સાથે એક લોકપ્રિય મંત્રી પણ છે. હાલ તેઓ દેશના વિદેશ મંત્રી છે,  જે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને સામાન્ય લોકોને ઘણી મદદ કરે છે, જેના કારણે યુવાઓમાં તેમના પ્રતિ ઘણો ક્રેઝ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer