CBI વિરુદ્ધ CBI : ગુપ્ત બાબત મીડિયામાં `લીક'' થતાં સુપ્રીમ કોર્ટ ખફા

CBI વિરુદ્ધ CBI : ગુપ્ત બાબત મીડિયામાં `લીક'' થતાં સુપ્રીમ કોર્ટ ખફા
સુનાવણી માટે તમે કોઈ પણ લાયક નથી એવી વેધક ટકોર : કેસની સુનાવણી હવે 29 નવેમ્બરે
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ મોદી સરકાર પર પ્રહાર કરવા સરકારના ટોચના અધિકારીઓ સામે ડીઆઈજી મનોજ સિંહાએ કરેલા આક્ષેપોનો ઉપયોગ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે એમ. કે. સિંહા મહત્ત્વની ગુપ્તતાને જાણતા હોવા છતાં તેમણે મીડિયા સમક્ષ જાણીજોઈને આ આક્ષેપો શા માટે `લીક' કર્યા? એટલે તો મંગળવારે સર્વોચ્ચ અદાલતે સીવીસીના સત્યશોધન સામે સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માના પ્રતિભાવને અને ડીઆઈજી મનોજકુમાર સિંહા દ્વારા તેમની અલગ અરજીમાં કરાયેલા આક્ષેપોને લીક કરવા સામે ઊંડી નાખુશી વ્યક્ત કરી હતી. ટૂંકમાં ભ્રષ્ટાચારના આરોપો પર સીવીસીના સત્યશોધનને વર્માના ગુપ્ત પ્રતિસાદને લીક કરવા સામે સર્વોચ્ચ અદાલત ખફા થઈ ગઈ હતી અને તેણે એવું નિરીક્ષણ કર્યું હતું કે, `તમારામાંથી કોઈ પણ સુનાવણીને લાયક નથી.'
કોર્ટ વર્માની એ અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે તેમને રજા પર મોકલીને ફરજથી વંચિત કરતા સરકારના નિર્ણય સામે અપીલ કરી હતી. બેન્ચે આ કેસની સુનાવણી 29 નવેમ્બર પર મુલતવી રાખતા વિવિધ ટોચના અધિકારીઓ સામે આક્ષેપો કરનાર સિંહાની અરજી પર આધારિત મીડિયાના વિવિધ અહેવાલો સામે વાંધો ઉઠાવ્યો હતો.
ગઈકાલે અમે એવો ઉલ્લેખ કરવાનો (સિંહાની નાગપુર ટ્રાન્સફર સામેની અરજીને તાકીદે લેવાનો) ઈનકાર કર્યો હતો અને અમે એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે આ બાબતમાં અત્યંત ગુપ્તતા જાળવવી જોઈએ, પરંતુ એક એવા લિટીગન્ટ છે જેમણે અમારી સમક્ષ આનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યાર બાદ પ્રત્યેક જણને અરજી વહેંચી દીધી હતી, એમ મુખ્ય ન્યાયમૂર્તિએ મીડિયામાં સિંહાના આક્ષેપો છપાયા તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું. આ સંસ્થાનું માન જાળવવાના પ્રયાસોમાં આ લોકો સહભાગી થયા ન હતા. તેઓએ તો પ્રત્યેકને તેની જાણ કરી દીધી હતી, એમ મુખ્ય ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું.
સિંહાએ સોમવારે સીબીઆઈના ખાસ ડાયરેકટર રાકેશ અસ્થાના સામેની તપાસમાં હસ્તક્ષેપના કહેવાતા પ્રયાસો સંબંધમાં એનએસએ અજિત ડોભલ, કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી અને સીવીસી કે. વી. ચૌધરીનાં નામોને ઘસડયાં હતાં.
સીવીસીના સત્યશોધનના સંબંધમાં વર્માના ગુપ્ત પ્રતિસાદને જાહેર કરી દેવાથી ખફા થયેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે તપાસકર્તા એજન્સીનું ગૌરવ જાળવવા તે સીબીઆઈના ડાયરેકટરના પ્રતિસાદને ગુપ્ત રાખવા માગતી હતી.
મીડિયામાં વર્માનો ગુપ્ત જવાબ લીક થઈ જતાં બેન્ચે સીબીઆઈના ડાયરેકટરના પ્રતિભાવ પરની સ્ટોરી પ્રસિદ્ધ કરનારા ન્યૂઝ પોર્ટલનું નામ જાહેર નહીં કરતા ન્યૂઝ રિપોર્ટની નકલ નરિમાનને સુપરત કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer