શીખવિરોધી રમખાણના કેસમાં પહેલી વખત દોષિતને મૃત્યુદંડ

શીખવિરોધી રમખાણના કેસમાં પહેલી વખત દોષિતને મૃત્યુદંડ
યશપાલ સિંહને ફાંસી, નરેશ સહેરાવતને આજીવન કેદ

નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : 1984ના શીખ વિરોધી રમખાણ સંબંધિત એક કેસમાં 34 વર્ષ બાદ કોઈને મોતની સજા મળી છે. મંગળવારે દિલ્હીની એક અદાલતે મહિપાલપુરમાં બે શીખ યુવકોની હત્યાના દોષી ઠેરવવામાં આવેલા નરેશ સહરાવતને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે યશપાલ સિંહને મોતની સજા મળી હતી. ગયા અઠવાડીયે કોર્ટે આ મામલા સંબંધિત તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.  આ દરમિયાન કોર્ટે 1984માં જે કંઈ બન્યું તેને ખુબ જ બર્બરતાપૂર્વકની ઘટના ગણાવી હતી. 2015માં ગૃહ મંત્રાલયે કરેલા એસઆઈટીના ગઠન બાદ 1984ના શીખ વિરોધી રમખાણમાં કોર્ટે પહેલી વખત દોષીતોને સજા સંભળાવી છે. 
ગૃહમંત્રાલયે 2015માં શીખ વિરોધી રમખાણ સંબંધિત મામલાની તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યું હતું. એસઆઈટીએ રમખાણના પાંચ મામલાની ફરીથી તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક હરદેવ સિંહના ભાઈ સંતોખ સિંહે દાખલ કરાવેલા કેસની પણ તપાસ શરૂ થઈ હતી.  પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કેટલાય શહેરોમાં શીખ વિરોધી રમખાણ શરૂ થયા હતા. આ દરમિયાન દક્ષિણ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં  1 નવેમ્બર 1984ના બે શીખ યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન પીડિત હરદેવ સિંહની ઉમર 24 વર્ષ અને અવતાર સિંહની ઉમર 26 વર્ષ હતી. દિલ્હી પોલીસે પુરાવાના અભાવે આ કેસ 1994માં બંધ કરી દીધો હતો. પરંતુ રમખાણની તપાસ માટે એસઆઈટી કેસ ફરીથી ખોલ્યો હતો. ત્યારબાદ પહેલી વખત કોઈ આરોપીને સજા ફટકારવામાં આવી છે. 
સજા ઉપર દલીલ દરમિયાન અભિયોજન અને પીડિતોના વકીલે દોષીતોને ફાંસીની સજાની માગણી કરી હતી. જ્યારે બચાવપક્ષ તરફથી રહેમની આજીજી કરવામાં આવી હતી. કેન્દ્ર આદેશ ઉપર ગઠિત એસઆઈટીએ ગયા અઠવાડીયે એડિશનલ સેશન જજ અજય પાંડે સમક્ષ સજા ઉપર દલીલ દરમિયાન કહ્યું હતું કે, દોષીતોનો અપરાધ ગંભીર પ્રકૃતિનો છે. જેની સજા ઉપર પુરી દુનિયાની નજર છે. આ દલીલો બાદ યશપાલ અને નરેશને સજા ફટકારવામાં આવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer