ચૂંટણીના કારણે અૉટો સેક્ટરને ટેકો મળ્યો

ચૂંટણીપ્રચાર માટે વેહિકલ્સ ખરીદાયાં, મોટરસાઈકલની સૌથી વધુ માગ
નવી દિલ્હી, તા. 21 : તહેવારની સિઝનમાં ભારતીય અૉટોમોબાઈલ સેક્ટર વધારો-નબળો દેખાવ કરવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી આવી રહી હોવાથી બજારને ટેકો મળ્યો હતો. આ બંને રાજ્યોમાં સત્તાધારી પક્ષ ભાજપ પોતાનો ગઢ ટકાવી રાખવા મહેનત કરી રહ્યો છે.
કેટલાક ડીલર અને ઉત્પાદકો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં પેસેન્જર વેહિકલ્સ અને ટૂ-વ્હીલર્સના રિટેલ વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો હતો જ્યારે છત્તીસગઢમાં માગ 10થી 12 ટકા વધી છે. ઉદ્યોગના અંદાજ પ્રમાણે ટૂ-વ્હીલર્સના રાષ્ટ્રવ્યાપી રિટેલમાં 10થી 12 ટકાનો વધારો થયો હતો, જ્યારે નવરાત્રિથી દિવાળી વચ્ચે એક મહિનામાં પેસેન્જર વેહિકલ્સના વેચાણમાં 4થી 6 ટકા વૃદ્ધિ થઈ હતી.
ભારતીય અૉટોઉત્પાદકો ડીલર્સને કરવામાં આવેલા હોલસેલ વેચાણના આંકડા આપે છે, છૂટક વેચાણના નહીં.
ફેડરેશન અૉફ અૉટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ)ના ડિરેક્ટર નિકુંજ સંધીએ જણાવ્યું કે `મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સ્પષ્ટપણે અગ્રેસર હતા. મધ્યપ્રદેશ એક મોટું બજાર છે. અહીં પેસેન્જર વેહિકલ્સ તથા ટૂ-વ્હીલર્સ બંને માટે રિટેલ માગ મજબૂત છે. ખાસ કરીને બંને રાજ્યમાં મોટરસાઈકલની સારી માગ છે.' મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વર્ષે લગભગ 1.5 લાખથી બે લાખ પેસેન્જર વાહનો વેચાય છે.
આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને સત્તાધારી ભાજપ તથા વિપક્ષ કૉંગ્રેસ વચ્ચે કટોકટીનો મુકાબલો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer