જાડેજા પત્ની સાથે મળ્યાં PMને, કહ્યું- મહાન વ્યક્તિને મળીને ગર્વ અનુભવું છું

જાડેજા પત્ની સાથે મળ્યાં PMને, કહ્યું- મહાન વ્યક્તિને મળીને ગર્વ અનુભવું છું
નવી દિલ્હી, તા. 21 : ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી છે. જાડેજાએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી વન ડે ટીમમાં વાપસી કરી છે. જાડેજા અત્યારે સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. વડા પ્રધાન મોદીએ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે જ જાડેજાએ લખ્યું- મહાન વ્યક્તિને મળીને ગર્વ અનુભવું છું. આ સિવાય તેને પોતાની પોસ્ટમાં વડા પ્રધાન મોદી માટે સાહેબ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જાડેજાએ વડા પ્રધાનનો સમય આપવા માટે આભાર પણ માન્યો હતો. 
બીજી તરફ વડા પ્રધાને પણ રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબા સાથેની તસવીર ટ્વીટ કરી હતી. મોદીએ ટ્વીટ કર્યુ, `જાણીતા ક્રિકેટર રવિન્દ્રાસિંહ જાડેજા અને તેની પત્ની રીવાબા સાથે શાનદાર વાતચીત થઇ છે.'
રવિન્દ્ર જાડેજાનો ઓસ્ટ્રેલિયા સામે ટી-20માં સમાવેશ કરવામાં આવ્યો નથી. જાડેજા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સિરીઝમાં જોડાશે. 
રવિન્દ્ર જાડેજાએ 39 ટેસ્ટ મેચમાં 1395 રન બનાવ્યા છે જ્યારે 185 વિકેટ ઝડપી છે. જાડેજાએ 144 વન ડે મેચ રમી છે જેમાં 1982 રન બનાવ્યા છે અને 169 વિકેટ ઝડપી છે. જાડેજાએ 40 ટી-20 મેચ પણ રમી છે જેમાં તેને 116 રન બનાવ્યા છે અને 31 વિકેટ ઝડપી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer