ઉદ્ધવની રેલીને હજી તો અયોધ્યાના સત્તાવાળાની મંજૂરી મળી નથી

ઉદ્ધવની રેલીને હજી તો અયોધ્યાના સત્તાવાળાની મંજૂરી મળી નથી
શનિવારે સાંજે મહારાષ્ટ્રભરમાં મહાઆરતી
ફૈઝાબાદ/મુંબઈ, તા. 21 : આગામી રવિવારે (25 નવેમ્બર) શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં પક્ષ કાર્યકરોની રેલીને સંબોધી શકશે કે કેમ એ હજી સુધી અનિશ્ચિત છે, કેમ કે જિલ્લા વહીવટીતંત્રે રામકથા પાર્કમાં સેનાને જાહેરસભા યોજવાની પરવાની હજી સુધી આપી નથી.
બીજી તરફ સેનાની ટોચની નેતાગીરીએ જણાવ્યું હતું કે અયોધ્યા બહાર રેલી યોજવાનો સવાલ જ ઊભો નથી થતો, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદે પણ તે જ દિવસે જંગી ધર્મસભાનું આયોજન કર્યું છે. ફૈઝાબાદના એડી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિદ્યાવાસિની રાયે જણાવ્યું હતું કે `િશવસેનાની જાહેરસભા માટેનું સ્થળ હજી સુધી નક્કી થયું નથી. અમે હજી આ અંગેની તપાસ કરીએ છીએ.'
ઉદ્ધવ ઠાકરેની મુંઝવણ એ છે કે અયોધ્યામાં મોટી સંખ્યામાં સૈનિકોને લઈ જવાનો હિન્દુ સંગઠનો દ્વારા ખોટો અર્થ એ કાઢવામાં આવશે કે સેના ઉ.પ્ર.માં પોતાનું `શક્તિ પ્રદર્શન' કરવા માગે છે. મુંબઈમાં ઉત્તર ભારતીયોના ભરાવા સામેના સેનાના કડક વલણને જોતાં માતોશ્રી અયોધ્યામાં સૈનિકો અને સ્થાનિક લોકો વચ્ચેનું શક્તિપ્રદર્શન નિવારવા માગે છે.
દરમિયાન શિવસેના આ રેલીને સફળ બનાવવા કમર કસી રહી છે. ઉદ્ધવ ઠાકરે 24 નવેમ્બરે બપોરે જ અયોધ્યા આવી જવાના છે ત્યાર બાદ શરયુ નદીના નવા ઘાટ પર સાંજે તેમના હસ્તે મહાઆરતી  કરાશે અને તે જ વખતે મહારાષ્ટ્રના તમામ મંદિરોમાં શિવસૈનિકો આરતી કરશે. તેને માટે સેનાએ ખાસ રામની આરતી તૈયાર કરી છે. રાજ્યભરના તમામ શાખાપ્રમુખોને મોકલવામાં આવી છે. મુંબઈ-મહારાષ્ટ્રમાંથી અયોધ્યા જનારા શિવસૈનિકોનું ત્યાં કેવી રીતે સ્વાગત કરવું એ વિચારાધીન હોઈ વિહિપે અગાઉ જ તેમને આવકાર દર્શાવ્યો છે. રામમંદિર નિર્માણના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ 25 નવેમ્બરે `ચલો અયોધ્યા'નો નારો આપ્યો છે. તેમની પહેલાં સેનાના નેતાઓ, પ્રધાનો, સાંસદો અને વિધાનસભ્યો સહિત સેંકડો શિવસૈનિકો બે દિવસમાં અયોધ્યા પહોંચશે. તેમને માટે લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી હોઈ વિમાનની ત્રણ હજારની ટિકિટના ભાવ રૂા. 12,000 બોલાય છે.
શિવસેનાના મોટા ભાગના નેતાઓ-સાંસદો બે દિવસ પહેલાં વિમાન માર્ગે લખનઊ પહોંચશે. તેવી જ રીતે તેમણે 26 નવેમ્બરે લખનઊથી મુંબઈની ફ્લાઈટ પણ બુક કરાવી રાખી છે. જુલાઈથી સેનાના સચિવ મિલિંદ નાર્વેકર, નેતા એકનાથ શિંદે, સંજય રાઉત બે વખત અયોધ્યા આવી ગયા છે. તેઓ સોમવારે ઉ.પ્ર.ના રાજ્યપાલ રામ નાઈકને મળ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer