સુરતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો ટાઈમનો મુદ્દો ઉકેલવા પ્રધાનની ખાત્રી

સુરતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો ટાઈમનો મુદ્દો ઉકેલવા પ્રધાનની ખાત્રી
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 5 : ખાનગી ઍરલાઈન્સ ઍરઇન્ડિયા એક્સ્પ્રેસે સુરત-શારજહાંની ફ્લાઈટ માટે રાત્રિનાં સ્લોટની જગ્યાએ દિવસનો સ્લોટ માગતાં સુરતીઓનું આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવિટીનું સપનું રોળાયું છે. આ મામલે સોશિયલ મીડિયામાં સ્થાનિક નેતાઓ, સાંસદો અને દિલ્હીસ્થિત નેતાગણ પર પસ્તાળ પડતાં કેન્દ્રના રાજ્યકક્ષાનાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યંત સિંહાએ ટ્વીટ કરીને સુરતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ફલાઈટનો મુદ્દો ઉકેલવાની ખાત્રી આપી છે.
ડાયમંડ સિટી સુરતના ઍરપોર્ટને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળે તે માટે ઘણાં સમયથી કવાયત ચાલી રહી છે. ખાનગી ઍરલાઈન્સ દ્વારા અગાઉ નાઈટ સ્લોટ માટે મંજૂરી દર્શાવી હતી. જોકે, હવે ખાનગી ઍરલાઈન્સે અચાનક જ ટાઈમ સ્લોટ બાબતે યુ-ટર્ન કરતાં સુરતીઓનું આંતરરાષ્ટ્રીય ઍર કનેક્ટિવિટીનાં સપનાંને બ્રેક લાગી છે. તેમ જ ઍરપોર્ટ અૉથોરિટી દ્વારા પણ જ્યાં સુધી નવુ ટર્મિનલ બધાશે નહિ ત્યાં સુધી દિવસમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનાં સ્લોટને મંજૂરી મળી શકે તેમ ન હોવાનો સંકેત આપ્યો છે. એવામાં સ્થાનિક વી વર્ક ફોર વર્કિંગ ઍરપોર્ટ ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયામાં મુહિમ ચલાવવામાં આવતાં સ્થાનિક નેતાગીરીએ આ મામલે ઝડપથી યોગ્ય ઉકેલ લાવવાની ખાત્રી આપી છે. તેમ જ કેન્દ્રીય રાજ્યકક્ષાનાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યંત સિંહા ટ્વીટ કરીને સાંસદ દર્શના જરદોશ, સીઆર પાટીલ સાથે બેઠક યોજી ઝડપથી મુદ્દો ઉકેલવાની ખાત્રી આપી છે. 
નોંધવું  કે ખાનગી ઍરલાઈન્સ દ્વારા એક ઈમેલ મારફતે કહેવામાં આવ્યું છે કે રાત્રિનો સ્લોટ કોઈપણ રીતે અનુકુળ નથી. કંપની પાસે એકમાત્ર ઍરક્રાફ્ટ છે. કૉર્મશિયલ રીતે નાઈટમાં તેનું ઉડાન યોગ્ય નથી. રાત્રિનાં બાર કલાકથી વહેલી સવારનાં પાંચ કલાક દરમિયાનની માગને કંપની સ્વીકારી શકે તેમ નથી. કંપની દ્વારા આ પ્રકારનો ઈમેલ જાહેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર સાંસદો અને નેતાઓ સામે લોકોનો આક્રોશ ફુટી નીકળ્યો છે. જો ખાનગી ઍરલાઈન્સને દિવસનો સ્લોટ આપવામાં આવે તો ઘરઆંગણાની 15થી વધુ ફલાઈટ ડિસ્ટર્બ થાય અને આ ફ્લાઈટથી ચાલતો ધીકતા ધંધાને અસર પહોંચે તેમ છે. એવામાં દિવસનાં ઘરઆંગણાનાં સમયપત્રકને ખલેલ પહોંચાડયા વિના આંતરરાષ્ટ્રીય અૉપરેશન શરૂ કરવાની કવાયત ઍરપોર્ટ અૉથોરિટીએ કરવાની રહેશે.
 

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer