એડિલેડ ટેસ્ટ : ભારત જીતથી માત્ર 6 વિકેટ દૂર

એડિલેડ ટેસ્ટ : ભારત જીતથી માત્ર 6 વિકેટ દૂર
બીજા દાવમાં ભારતના 307 રન : 323ના લક્ષ્યાંક સામે ચોથા દિવસે અૉસ્ટ્રેલિયાના 4 વિકેટે 104
એડિલેડ, તા. 9 : એડિલેડ ટેસ્ટમાં પહેલા દાવમાં નબળા પ્રદર્શન બાદ હવે ભારતે મેચ ઉપર મજબૂત પકડ બનાવી છે. બીજા દાવમાં 323 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથા દિવસની રમત પૂરી થવા સુધીમાં ચાર વિકેટના નુકશાને 104 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા હજી પણ લક્ષ્યથી 219 રન દુર છે અને હાથમાં માત્ર 6 વિકેટ બચી છે. જેના કારણે મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને સંઘર્ષ કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.  દિવસના અંતે શોન માર્શ 31 અને ટ્રેવિસ હેડ 11 રન કરીને બેટિંગ કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના આરોન ફિંચને ઈશાન્ત શર્માએ પહેલા જ ઓવરમાં એલબીડબ્યલ્યું કર્યો હતો. પરંતુ રિવ્યૂમાં તે નોબોલ હોવાનું સામે આવતા ઓસ્ટ્રેલિયાને રાહત મળી હતી. જો કે નસીબના જોરે બચી ગયેલો ફિંચ લાંબો સમય ક્રિઝ ઉપર ટકી શક્યો નહોતો અને માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી વિકેટ માટે માર્કસ હેરિસ અને ઉસ્માન ખ્વાજાએ દાવ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટી બ્રેક પૂરો થયાની થોડી વારમાં જ હેરિસ શમીના બોલ ઉપર આઉટ થયો હતો.  જ્યારે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો ખ્વાજાના રૂપમાં અશ્વિને આપ્યો હતો. ત્રણ વિકેટ ગયા બાદ હેંડ્સકોમ્બ અને શોન માર્શ ઉપર દારોમદાર હતો. તેમજ બન્ને સંભાળીને રમત આગળ વધારી રહ્યા હતા. તેવામાં હેંડસકોમ્બ શમીના બોલમાં આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. 
આ અગાઉ ભારતે બીજા દાવમાં ચેતેશ્વર પુજારાના 71 રન અજિંક્ય રહાણેના 70 રનની મદદથી  ચોથા દિવસે 307 રનનો સ્કોર કર્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 323 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ત્રીજા દિવસે ત્રણ વિકેટે 151 રનેથી અટકેલો દાવ ભારતે ચોથા દિવસે શરૂ કર્યો હતો અને પહેલા સત્રની સમાપ્તી પહેલા પાંચ વિકેટે 260 રન બનાવ્યા હતા. ત્યારરબાદ તમામ વિકેટ પડતા 47 રન જોડયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer