એક્ઝિટ પોલ પછી કોઈ મોવડીઓના શરણે તો કોઈ ઈશ્વરનાં ચરણે !

વિરોધાભાસી અનુમાનો બાદ નેતાઓના જીવ તાળવે:
મંદિરોમાં વિશેષ પૂજાથી લઈને પક્ષનાં નેતૃત્વને નમનનો સિલસિલો
નવીદિલ્હી, તા.9: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં તારણો બહાર આવી ગયા છે અને એકમાત્ર તેલંગણમાં તમામે-તમામ એક્ઝિટ પોલ એક મત દર્શાવી રહ્યા છે. બાકી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ અને મિઝોરમમાં વિભિન્ન સમાચાર સંસ્થાઓ અને એજન્સીઓની ધારણા અને અનુમાનો અલગ-અલગ જોવા મળ્યા છે. કોઈ પોલમાં કોંગ્રેસ તો કોઈ ભાજપને જીતતો દેખાડવામાં આવ્યો છે. ચૂંટણી સર્વેક્ષણોમાં આવા વિરોધાભાસી ચિત્રો સામે આવતાં સંલગ્ન રાજ્યોના નેતાઓના જીવ તાળવે ચોંટી ગયા છે. આ તારણો પછી કોઈ ભગવાનના ચરણે દોડી ગયા છે તો કોઈ પક્ષની આલાકમાનનાં શરણે પહોંચી ગયા છે.
મધ્યપ્રદેશનાં સુપ્રસિદ્ધ મંદિરો ઉપર નેતાઓનાં દર્શન અને વિશેષ પૂજાનો સિલસિલો ચૂંટણીની ટિકિટની વહેંચણીથી માંડીને હજી સુધી જારી છે. આ મંદિરોમાં રાજસ્થાન અને છત્તીસગઢનાં નેતાઓ પણ માથું ટેકવવા આવી રહ્યા છે. કોંગ્રેસનાં નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશોક ગેહલોત શુક્રવારે મોડી સાંજે જ દિલ્હીમાં પક્ષના નેતૃત્વ પાસે પહોંચી ગયા હતા. જ્યારે વસુંધરા રાજેએ મધ્યપ્રદેશનાં મંદિરમાં પોતાનાં માટે વિશેષ પૂજા કરાવી હોવાનું જાણવા મળે છે.
ઉજ્જૈનનું મહાકાલ મંદિર નેતાઓનું સદાબહાર મનપસંદ રહ્યું છે. આવી જ રીતે બગલામુખી મંદિર, દતિયાની પીતાંબરા પીઠ પણ ચૂંટણીની પૂજાઓ માટે ખાસ પસંદગી પામે છે. ત્યાં પણ પાડોશી રાજ્યોનાં નેતાઓનો ધસારો રહેતો હોય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer