ઓપેક તેલ ઉત્પાદન ઘટાડશે : મોદી સરકાર માટે કસોટી

નવી દિલ્હી, તા. 9: ખનિજ તેલના નિકાસકાર દેશોના જૂથ(ઓપેક)ના સભ્યદેશોએ તેના તેલ ઉત્પાદનમાં દૈનિક બાર લાખ બેરલ્સ(ભારતના દૈનિક વપરાશના એક - ચતુર્થાંશ) જેટલો ઘટાડો કરવા નિર્ણય કર્યો છે. ઓપેક એ તેલ નિકાસકાર 14 દેશોનો સમૂહ છે. જો કે ઓપેકમાંની ફોલ્ટલાઈન્સ (કલહ), અમેરિકાની વધતી નિકાસ અને જાગતિક તેલબજાર પર નોંધનીય પ્રભાવ ધરાવતા બિન-ઓપેક ઉત્પાદક રશિયા દ્વારા પાલનનું સ્તર-વ. બાબતો, ઓપેકના ઉક્ત ઘટાડાની વિષમતાને હળવી કરશે તેવી ધારણા છે.
ઓપેકે કરેલી આ સમજૂતીની એપ્રિલમાં સમીક્ષા થશે. આ ગતિવિધિના સમાચારને પગલે તેલના વૈશ્વિક ભાવોમાં 4 ટકાનો વધારો થયો હતો. જો કે સોમવારે બજાર ખૂલ્યે સ્પષ્ટ ચિત્ર ઉપસશે અને વધુ વિગતો બહાર આવશે. ભારત ઓપેકના સભ્યદેશો પાસેથી 82 ટકા ખનિજ તેલ, 7પ ટકા કુદરતી ગેસ અને 97 ટકા રાંધણ ગેસ મેળવે છે. 
ભારતમાં સામાન્ય ચૂંટણી પૂર્વે તેલઉત્પાદનનો આ કાપ, સરકારના રાજકીય વ્યવસ્થાપન કૌશલની કસોટી કરશે.
તેલના ભાવોમાં એક ઓક્ટોબર પછીના 8 સપ્તાહમાં 30 ટકા ગબડયા છે અને ઘરઆંગણે ઈંધણના ભાવો નીચા લાવવામાં મદદરૂપ થયા છે. આનાથી સરકારને ચાવીરૂપ રાજ્યોમાંની ચૂંટણીઓમાંથી ઉતરવામાં કંઈક રાહત મળી રહી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંધણના વિક્રમ જનક રહેલા ભાવો બાદ આ રાહત આવી અને ચોથી ઓક્ટોબરે સરકારે લીટર દીઠ રૂ. દોઢ જેટલી આબકારી જકાત ઘટાડી અને સરકાર સંચાલિત રીટેલરોને લીટરે એક રૂપિયો ખમી લેવા તાકીદ કરી હતી.
'14ની 12 નવે.થી '16ની 31 જાન્યુ. દરમિયાન સરકારે પેટ્રોલ પરની આબકારી જકાત નવ ગણી વધારીને લીટરે રૂ. 9.94 પૈસા કરી અને ડીઝલમાં લીટરે રૂ. 11.71 પૈસાની કરી હતી. અત્યાર સુધી સરકારે આ જકાત બે વાર કાપતાં કુલ ઘટાડો રૂ. 3ાા થવા જાય છે.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer