260 કરોડના કૌભાંડમાં ભાર્ગવી શાહના ઘરે સર્ચ

વાઇરલ ઓડિયો ક્લિપ વિનય-સુરેન્દ્ર અને સ્વપ્નિલ રાજપૂતનો જ અવાજનો ખુલાસો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 9 : રૂા.260 કરોડના કથિત કૌભાંડના માસ્ટર માઇન્ડ વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ સીઆઇડીના સકંજામાં આવી ગઇ છે. આજે ભાર્ગવીને સાથે રાખીને સીઆઇડી ક્રાઇમની ટીમે તેના ઘરે સર્ચ ઓઁપરેશન હાથ ધર્યુ હતું. દરમિયાન વાઇરલ થયેલી કથિત ઓડિયો ક્લીપમાં અવાજ વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂત તેમજ તેના પુત્ર સ્વપ્નિલ રાજપૂતનો હોવાનો ખુલાસો ભાર્ગવીએ સીઆઇડી સમક્ષ કર્યો હતો. આ કૌભાંડમાં સ્વપ્નિલ અને સુરેન્દ્ર રાજપૂતની ભાગીદારીના મામલે સીઆઇડી તપાસ કરી રહી છે ત્યારે હલે એફએસએલમાં  સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્રિનલ રાજપૂતનો વોઇસ સ્પક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ સીઆઇડી કરાવશે એમ મનાય છે. હાલ સીઆઇડી ક્રાઇમે સ્વપ્નિલ રાજપૂતને નિવેદન માટે બોલાવ્યો હતો ત્યારે આવનારા દિવસોમાં સુરેન્દ્ર રાજપૂતની પણ પૂછપરછ કરવામાં આવશે. 
કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગુરૂવારની રાતે સીઆઇડી ક્રાઇમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઇ હતી. વિનય શાહની નેપાળમાં ધરપકડ પછી ભાર્ગવી હાજર થઇ છે. ભાર્ગવી શાહ હાજર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમે ભાર્ગવી અત્યાર સુધી ક્યાં હતી, તેણે કોને ત્યાં આશરો લીધો હતો, તેને કોણે મદદ કરી વગેરે દિશામાં તપાસ શરૂ કરી છે. ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડદેવડ કરતી હતી તે ડીમેટ એકાઉન્ટની તપાસ કરી હતી. સીઆઇડી ક્રાઇમે 1.27 કરોડના શેર ધરાવતું આ ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કર્યુ હતું.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer