સુપ્રીમ કોર્ટની જેમ હાઈ કોર્ટમાં પણ વિઝિટર્સ પર લાગશે અંકુશ

મુંબઈ, તા. 8 : મુંબઈ હાઈ કોર્ટમાં સલામતીની સુરક્ષા વધારવા માટે સુપ્રીમ કોર્ટની જેમ વિઝિટર્સ મેનેજમેન્ટ પદ્ધતિ બનાવવાની યોજના છે. મુલાકાતીઓ પર મર્યાદા લગાડવા માટે હાઈ કોર્ટે માગણી કરી હતી. ત્યારબાદ રાજ્યના કાયદા વિભાગે અહેવાલ બનાવવા માટે પ્રાઈસવૉટરહાઉસ કુપર્સ નામની કન્સલ્ટન્ટ કંપનીની નિમણૂક કરી હતી. 
રાજ્યના કાયદા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી રાજેશ લધ્ધાએ કહ્યંy હતું કે, સુપ્રીમ કોર્ટનાં ધોરણો મુજબ હાઈ કોર્ટમાં વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે. યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાઈ કોર્ટની સુરક્ષાના અપગ્રેડેશન માટે રાજ્ય સરકારે તાજેતરમાં 15 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેની પાસે પાસ હોય તે જ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ શકે છે અને કેસની સુનાવણી સાથે જેને લાગતુંવળગતું હોય તેને જ પાસ આપવામાં આવે છે. પાસનું વકીલ પાસેથી સમર્થન પણ કરાવવામાં આવે છે. ક્યારેક ચોક્કસ કેસ માટે સુપ્રીમ કોર્ટ મુલાકાતીઓ પર મર્યાદા પણ લગાડી શકે છે. 
અત્યારે મુંબઈ હાઈ કોર્ટમાં 1200 લોકોનો સ્ટાફ છે, જ્યારે દરરોજ આવતા-જતા લોકો, વકીલ, સરકારી કર્મચારીઓ સહિત 10,000 લોકોની અવરજવર હોય છે. મુંબઈ હાઈ કોર્ટ માટે રજૂ કરાયેલી નવી પદ્ધતિ મુજબ, કેસના પક્ષકારો, વકીલો, જજ અને સ્ટાફ માટે જુદો પ્રવેશદ્વાર હશે. 
કેસના પક્ષકારો અને મુલાકાતીઓને નિશ્ચિત નંબર આપવામાં આવશે અને પછી ચોક્કસ કોર્ટરૂમમાં મોકલવામાં આવશે. મુલાકાતી બીજા કોઈ વિસ્તારમાં ફરતો દેખાશે તો સિસ્ટમ કમાન્ડ રૂમમાં સાવધ કરશે અને પોલીસ તે વ્યક્તિને ચેતવણી આપશે. જો પાલિકા મંજૂરી આપે તો બેન્ક અૉફ ઈન્ડિયાના બિલ્ડિંગની બહાર મુલાકાતીઓ માટે પ્રતીક્ષાલય બનાવવામાં આવશે.  
તાજેતરમાં પોલીસે કોર્ટમાં અને તેની આસપાસ સિક્યોરિટી અૉડિટ કર્યું હતું, જેમાં અનેક ક્ષતિઓ જોવા મળી હતી. તેમજ કમ્પાઉન્ડની દીવાલોને પણ અપગ્રેડેશનની જરૂર છે. હાઈ કોર્ટના એક વરિષ્ઠ વકીલે કહ્યંy હતું કે, સુરક્ષાના ધોરણે મુલાકાતીઓ પર મર્યાદા લગાડવામાં આવે તો કોઈ જ વાંધો નથી. હાઈ કોર્ટમાં દિવસ દરમિયાન અનેક કામ વગરના લોકો આવતા હોય છે. તેથી સિક્યોરિટી પદ્ધતિની જરૂર છે. આમ તો કોર્ટ નાગરિકો માટે છે, પણ સુરક્ષાના હેતુથી તેમના પર મર્યાદા મૂકવામાં આવે તો કોઈ જ વાંધો નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer