પ્રાઇવેટ હૉસ્પિટલો રૂપિયા કમાવા માટે મહિલાઓની જબરદસ્તી સિઝેરિયન ડિલિવરી કરાવે છે

મુંબઈ, તા. 8 : ભારતમાં ફક્ત પૈસા કમાવા માટે જ પ્રાઇવેટ હૉસ્પિટલો મહિલાઓની સિઝેરિયન ડિલિવરી કરાવતી હોવાની બાબત એક સર્વેમાં જાણવા મળી છે. એક વર્ષમાં 70 લાખ મહિલાઓની પ્રસૂતિ થઈ હતી અને એમાંથી 9 લાખ મહિલાઓની જરૂર ન હોવા છતાં સિઝેરિયનથી ડિલિવરી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ મૅનેજમેન્ટે આપેલા અહેવાલમાં આ બાબત જાણવા મળી હતી. જરૂર ન હોવા છતાં અનેક મહિલાઓની સિઝેરિયનથી ડિલિવરી કરાવતાં તેના કુટુંબીજનને આર્થિક ફટકો પડયો અને છોગામાં જન્મેલા બાળકને સ્તનપાન કરાવવામાં મોડું થતું હોવાનું જાણવા મળ્યું. માતાએ મોડું સ્તનપાન કરાવતાં અવતરનારા બાળકનું વજન ઓછું થઈ જતાં અનેક બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું આઇઆઇએમ-એના સભ્ય અંબરીશ ડોંગરે અને સ્ટુડન્ટ મિતુલ સુરાણાએ કરેલા સર્વેક્ષણના અહેવાલમાં જણાવાયું છે.
સુરક્ષિત ડિલિવરી થાય એ માટે મહિલાઓ અને તેના કુટુંબીજનો સરકારી હૉસ્પિટલને બદલે પ્રાઇવેટ હૉસ્પિટલોને પ્રાધાન્ય આપે છે. રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણના 2015-'16ના આંકડા મુજબ પ્રાઇવેટ હૉસ્પિટલમાં 40.9 ટકા સિઝેરિયન ડિલિવરી અને સરકારી હૉસ્પિટલોમાં ફક્ત 11.9 ટકા સિઝેરિયન ડિલિવરી થઈ હતી. એમાં સ્પષ્ટ થયું હતું કે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કરાવવામાં આવેલી સિઝેરિયન ડિલિવરી પાછળ ડૉક્ટરોનો અને હૉસ્પિટલોનો પૈસા કમાવાનો જ એકમાત્ર હેતુ હતો. નૉર્મલ ડિલિવરીમાં ઘણો ઓછો ખર્ચ થાય છે, પણ સિઝેરિયન ડિલિવરીમાં 25,000 રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer