મઝગાંવમાં 200 કરોડના ખર્ચે બંધાઈ રહી છે કૅન્સરની અત્યાધુનિક હૉસ્પિટલ

100 બેડમાંથી 20 ગરીબો માટે વિનામૂલ્ય
મુંબઈ, તા. 9 : શહેરમાં કૅન્સરના હજારો દરદીઓ તેમનો ઈલાજ કરાવવા પરેલની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં આવે છે. આમાં દેશના વિવિધ વિસ્તારોના પણ અનેક દરદીઓનો સમાવેશ થાય છે. આથી આ હૉસ્પિટલ પર બોજો વધી જાય છે તેમ જ ખાનગી હૉસ્પિટલોના ઊંચા દર ગરીબો અને મધ્યમ વર્ગના દરદીઓને પરવડતા નથી.
આથી જાહેરમાં અગ્રગણ્ય સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. સુલતાન પ્રધાન, 300 જેટલા દાતાઓ અને મહાપાલિકાએ મળીને 200 કરોડ રૂપિયાના ખર્ચે મઝગાંવમાં એક અતિઆધુનિક કૅન્સર હૉસ્પિટલ બાંધવાનું બીડું ઝડપ્યું છે. આ માટે 155 કરોડ રૂપિયાની રકમ ઊભી થઈ ચૂકી છે. મહાપાલિકાએ મઝગાંવમાં આપેલા પ્લોટ પર હાલ આ હૉસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે અને 2020ના અંત સુધીમાં તે કાર્યાન્વિત થઈ જવાની ધારણા છે. 100 પથારીવાળી આ હૉસ્પિટલનું સંચાલન તાતા મેમોરિયલ હૉસ્પિટલના મોડેલ પ્રમાણે જ કરવામાં આવશે. 20 ટકા બેડ ગરીબ દરદીઓ માટે મફત રહેશે અને બાકીના બેડ પણ વ્યાજબી ફીથી ઉપલબ્ધ કરાશે.
આ હૉસ્પિટલમાં મુખ્યત્વે માથા અને ગરદનના કૅન્સરના ઈલાજ કરવામાં આવશે. ડૉ. પ્રધાનના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ માટે હવે 45 કરોડ રૂપિયા ખૂટે છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે પણ ટૂંક સમયમાં આવી જશે.

Published on: Mon, 10 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer