બુલેટ ટ્રેન માટે જમીન આપવાનો ખેડૂતોનો ઇનકાર

મુંબઈ, તા. 9 : અમે બુલેટ ટ્રેન યોજના માટે જમીન આપવા તૈયાર નથી એવું પાલઘરના ખેડૂતોના એક જૂથે જાપાન ઇન્ટરનૅશનલ કો-અૉપરેશન એજન્સી (જેઆઇસીએ) સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટમાં ગુજરાત અને મહારાષ્ટ્રના જે વિસ્તારોની જમીન અધિગ્રહિત કરવાની છે એવા ખેડૂતોને જેઆઇસીએના પ્રતિનિધિઓ મળ્યા હતા, એમાં ખેડૂતોએ પોતાની વાત કહી હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રોજેક્ટથી પર્યાવરણ પર શું અસર થશે એના અભ્યાસના અહેવાલ સાથે ચેડાં કરાયાં છે, કેમ કે ગ્રામસભાઓ તરફથી આ યોજનાને નકારી કાઢવામાં આવી હતી. 
ભારત સરકાર સાથે મળીને જેઆઇસીએ બુલેટ ટ્રેન યોજના પાર પાડવાની છે જેમાં 1.08 લાખ કરોડ રૂપિયાનું ફન્ડ જાપાનની આ કંપની તરફથી મળવાનું છે. કંપનીના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં લગભગ 800 જેટલા ખેડૂતોએ એકઅવાજે પોતાની જમીન આ પ્રોજેક્ટ માટે આપવાનો ઇનકાર કર્યો હતો. પાલઘર અને દહાણુ રોડ જેવા વિસ્તારના ખેડૂતો અને વંચિતોનો અવાજ ઉઠાવનારા સામાજિક કાર્યકર સમીર વર્તકે જણાવ્યું હતું કે અમે જેઆઇસીએના પ્રતિનિધિઓને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમારા વિસ્તારમાં બુલેટ ટ્રેન નથી જોઈતી. આ મસમોટા ફન્ડનો બગાડ છે. આટલી મોટી રકમ બુલેટ ટ્રેનને બદલે હાલના રેલવે-નેટવર્ક માટે વાપરવામાં આવે તો રેલવે-વ્યવહાર સરળ થઈ શકે અને ખેડૂતો પણ એમાં નિયમિત પ્રવાસ કરી શકે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer