નોટબંધી પછી પણ ચૂંટણીમાં કાળાં નાણાં બંધી થઈ નથી !

પાંચ રાજ્યોની ચૂંટણીના આંકડા પ્રમાણે કાળાં નાણાંનો બેફામ ઉપયોગ
નવી દિલ્હી, તા.9: નોટબંધી અને જીએસટીનાં અમલ બાદ પણ રાજકારણ અને ચૂંટણીઓમાં કાળાનાણાંની રેલમછેલ બેરોકટોક ચાલી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન જેટલાં મોટાપાયે કાળુનાણું પકડાયું તે દેખાડી જાય છે કે કાળાનાણાનો ઉપયોગ ઘટવાને બદલે વધ્યો છે.
ચૂંટણી પંચનાં આંકડા અનુસાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણ અને મિઝોરમમાં પકડાયેલા ગેરકાયદેસર નાણાનું પ્રમાણ અગાઉની ચૂંટણી કરતાં વધારો દેખાડે છે. આ પૂર્વે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે પણ નોટબંધીથી ચૂંટણીમાં કાળાનાણાનાં ઉપયોગમાં ઘટાડો કરવાનાં સરકારનાં દાવા સામે સવાલો ઉભા કર્યા હતાં. 
ચૂંટણી દરમિયાન કુલ મળીને 168 કરોડનાં ગેરકાયદેસર નાણું, દારૂ, માદક પદાર્થો અને કિંમતી ઘરેણાં પકડી પાડવામાં આવ્યા છે. શુક્રવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ પંચે આ આંકડાઓનો ખુલાસો કર્યો છે. આમાં ચોંકાવનારી બાબત એ છે કે 168 કરોડમાંથી 11પ.9 કરોડ રૂપિયાની માલમત્તા તો એકલા તેલંગણામાંથી જ જપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2014ની આંધ્રપ્રદેશની ચૂંટણીમાં 19પ કરોડ રૂપિયાનું કાળુંનાણું ઝડપાયું હતું.
તેલંગણ બાદ મધ્યપ્રદેશમાં 30.93 કરોડ, રાજસ્થાનમાંથી 18.8પ કરોડ રૂપિયાનું કાળુધન ઝડપાયું છે. મધ્યપ્રદેશની ગત ચૂંટણીમાં આ આંકડો 27 કરોડ રૂપિયાનો હતો. આવી જ રીતે રાજસ્થાનમાંથી પકડાયેલી રકમ પણ ગત ચૂંટણી કરતાં એક કરોડ વધુ છે. 

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer