તેલંગણના રાજકારણમાં ગરમાટો : ભાજપની ટીઆરએસ અને કૉંગ્રેસની ઓવૈસીના પક્ષને સમર્થનની તૈયારી

જોકે, ભગવા પક્ષ સાથે હાથ મિલાવવા ચંદ્રશેખર રાવના પક્ષનો સાફ ઈનકાર
હૈદરાબાદ, તા. 9 : તેલંગણ વિધાનસભાની ચૂંટણી અંગે એક્ઝિટપોલનાં અનુમાનો સામે આવ્યા બાદ ટીઆરએસ પ્રત્યે ભાજપનાં મિત્રાચારી ભર્યા વલણથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજીબાજુ કોંગ્રેસે પણ પાસા ફેંકતા કહ્યું છે કે રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી. કોંગ્રેસનાં કહેવા અનુસાર જો ટીઆરએસ ચૂંટણી પછી ભાજપ સાથે હાથ મિલાવશે તો તેને પણ અસદુદ્દીન ઓવૈસીનાં પક્ષ એઆઈએમઆઈએમ સાથે જોડાણ કરવામાં કોઈ છોછ નથી. 
કોંગ્રેસનાં નેતા જીએન રેડ્ડીએ કહ્યું હતું કે 11 ડિસેમ્બરે પરિણામો આવ્યા બાદ જો ટીઆરએસ અને ભાજપ વચ્ચે જોડાણ થાય તો કોંગ્રેસ પણ ઓવૈસી સાથે સવાર થઈ શકે છે. કોંગ્રેસનાં રાજકારણમાં આ ગરમાવો ખરેખર તો ભાજપનાં પ્રદેશ પ્રમુખ કે.લક્ષ્મણનાં એ નિવેદન પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે જો તેલંગણમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાય તો ભાજપ  ટીઆરએસને સમર્થન આપી શકે છે. ભાજપ એવી સરકારને ટેકો આપવા તૈયાર છે જેમાં કોંગ્રેસ કે એઆઈએમઆઈએમ સામેલ ન હોય. જોકે તેલંગણ રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)એ ભાજપની સાથે હાથ મિલાવવાની શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી હોવાના અહેવાલ છે.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer