વિપક્ષી એકતા માટે આજે રાહુલ, સોનિયાની હાજરીમાં મહાબેઠક

જોકે, માયાવતી અને નવીન પટનાયક સામેલ નહીં થાય
નવી દિલ્હી, તા. 9 : પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના સર્વેમાં ભાજપને પછડાટના સંકેત મળ્યા બાદ વિપક્ષી છાવણી ઉત્સાહમાં આવી ગઇ છે. ચૂંટણીનાં પરિણામો આવવાના એક દિવસ પહેલાં આવતીકાલે સોમવારે વિપક્ષી એકતા મજબૂત કરવા માટે મહાબેઠક બોલાવાઇ છે.
ટીડીપી નેતા ચન્દ્રબાબુ નાયડુએ બોલાવેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએનાં મુખિયા સોનિયા ગાંધી એનસીપી વડા શરદ પવાર, તૃણમૂલ સુપ્રિમો મમતા બેનરર્જી આપ નેતા અરવિંદ કેજરીવાલ સહિત બિનભાજપી નેતાઓ જોડાશે.
આ મહાબેઠકમાં વિપક્ષી દળો 2019ની લોકસભા ચૂંટણીમાં એકજૂટ બનીને ભાજપને પરાસ્ત કરવા માટેની રણનીતિ પર ચર્ચા થશે. સંસદ ભવનમાં થનારી બેઠકમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાહ, સીપીએમ મહામંત્રી સીતારામ યેચુરી, રાજદ નેતા તેજસ્વી યાદવ, એલ.જે.ડી. નેતા શરદ યાદવ પણ હાજર રહેશે.
જો કે, આ મોરચામાં બસપા સુપ્રીમો માયાવતી અને બી.જે.ડી. નેતા નવીન પટનાયક નહીં જોડાય અને બેઠકથી દૂર રહી શકે છે તેવા અહેવાલો મળે છે.
દરમિયાન આજે ડીએમકેનાં અધ્યક્ષ એમ.કે. સ્ટાલિન આજે કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને જન્મદિનની મુબારકબાદ પાઠવવા માટે પહોંચી ગયા હતાં. એમ.કનિમોઝી અને એ.રાજા પણ તેમની સાથે રહ્યા હતાં. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને બિહારનાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પણ સોનિયા ગાંધીને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટરનાં માધ્યમથી સોનિયાને શુભકામના પાઠવી હતી. 
સોનિયા સાથેની આજની મુલાકાત બાદ સ્ટાલિન રાહુલ ગાંધીને પણ મળ્યા હતાં અને રાહુલે આ બેઠક વિશે કહ્યું હતું કે તેમનાં વચ્ચે મુલાકાત સૌહાર્દપૂર્ણ રહી હતી અને તેમનાં વચ્ચે વિભિન્ન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલે આગળ કહ્યું હતું કે વિપક્ષી દળો વચ્ચે સંવાદ જાળવી રાખવા અને ગઠબંધન મજબૂત બને તે માટે પોતે પ્રતિબદ્ધ છે.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer