26/11ના આતંકવાદી હુમલા પાછળ લશ્કરે તૈબાનો હાથ હોવાનો ઈમરાને પણ કર્યો એકરાર

26/11ના આતંકવાદી હુમલા પાછળ લશ્કરે તૈબાનો હાથ હોવાનો ઈમરાને પણ કર્યો એકરાર
ઈસ્લામાબાદ, તા. 9 : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ બાદ હવે વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાને પણ આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ કબૂલાત કરી છે કે મુંબઈ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનના લશ્કર-એ-તૈબાના આતંકવાદીઓનો હાથ હતો.  ઈમરાનની કબૂલાત પર પ્રતિક્રિયા આપતાં ભારતીય સૈન્ય વડા બિપિન રાવતે જણાવ્યું હતું કે અમે તો પહેલેથી જ જાણતા હતા.
પાકિસ્તાનમાં સરકાર બનાવ્યા બાદ પહેલી વખત ઈમરાન ખાને વિદેશી મીડિયા (વોશિંગ્ટન પોસ્ટ)ને પોતાનો પહેલો ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે બીજી અનેક બાબતોની સાથે મુંબઈ હુમલા અંગે પણ વાત કરી હતી.
ખાને કહ્યું હતું કે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં ઝકી-ઉર-રહેમાન લખવીના નેતૃત્વવાળા પ્રતિબંધિત આતંકી સંગઠન  લશ્કર-એ-તૈબાની સામેલગીરી હતી. ખાને જણાવ્યું કે મેં મારી સરકારને આ કેસની સ્થિતિને જાણવાનો આદેશ આપ્યો છે. આ કેસને ઉકેલવો અમારા માટે બેહદ જરૂરી છે કેમકે  આ એક આતંકી કૃત્ય હતું.
ઈમરાને કબૂલ્યું કે મુંબઈ હુમલામાં તૈબાના આતંકીઓ હતા. તેમણે આ વિધાનો તૈબાના પ્રમુખ લખવીના જેલમાંથી મુક્ત થવા પર ઉઠી રહેલા સવાલો સંદર્ભે કર્યાં હતાં. મુંબઈ બોમ્બ હુમલો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે એમ તેઓ ઈચ્છે છે એમ ઈમરાને કહ્યું હતું.
કરતારપુર કોરિડોર અંગે ઈમરાને કહ્યું કે અમે ભારત સાથે વિઝામુક્ત કોરિડોર શરૂ કર્યો છે અને ચૂંટણીઓ પૂરી થાય એ પછી અમે ભારત સાથે ફરી વાટાઘાટ શરૂ કરી શકશું એવી અમને આશા છે.
ઉલ્લેખનીય છે કે ઈમરાન પહેલાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ મુંબઈ હુમલા વિશે કબૂલાત કરી હતી. તેમણે એમ કહ્યું હતું કે પાકિસ્તાન સરકારની મદદથી આતંકવાદીઓ સીમા પાર કરીને ભારત આવ્યા હતા. દરમ્યાન, ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ભારતીય સૈન્ય વડા બિપિન રાવતે કહ્યું કે આપણે તો આ બાબત જાણતા જ હતા. હું નથી માનતો કે આપણને હવે કોઈની પણ  પાસેથી વધુ નિવેદનોની જરૂર હોય. આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ ખબર છે કે કોણે હુમલા કર્યા. કબૂલાત સારી બાબત છે પરંતુ તેના વિના પણ આપણે જાણીએ છીએ કે હુમલા પાછળ કોણ હતું.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer