આવી રહી છે `એક રાષ્ટ્ર એક કાર્ડ'' યોજના

આવી રહી છે `એક રાષ્ટ્ર એક કાર્ડ'' યોજના
મુંબઈમાં તમામ પરિવહન માટે એક ટિકિટની યોજના ખોરંભે? 
મુંબઈ, તા. 9 : તમામ પ્રકારના જાહેર પરિવહન માટે પ્રવાસીઓને એક જ ટિકિટ આપવાની પદ્ધતિ `એમએમઆરડીએ' દ્વારા વિકસાવવામાં આવી રહી છે પણ કેટલીક ટેક્નિકલ અડચણોને કારણે આ પદ્ધતિ અમલમાં મૂકવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હવે કેન્દ્ર સરકારની `એક રાષ્ટ્ર એક કાર્ડ'ની યોજનાને અંતિમ સ્વરૂપ ન અપાય ત્યાં સુધી એમએમઆરડીએની યોજના વધુ લંબાવાની ભીતિ ઊભી થઈ છે.
સંપૂર્ણ દેશમાં માર્ગ, રેલવે, મેટ્રો તેમજ જળ પરિવહન માટે એક જ કાર્ડ હોય એ હેતુથી નીતિ આયોગ `એક રાષ્ટ્ર એક કાર્ડ'ની સંકલ્પના પર કામ કરી રહ્યો છે.
બીજી તરફ એમએમઆરડીએની એકાત્મક ટિકિટ પદ્ધતિમાં રેલવેનો હિસ્સો મોટો આવે છે. આથી આ અંગે રેલવે અને એમએમઆરડીએ સત્તાવાળઓ વચ્ચે ચર્ચાના અનેક દોર યોજાઈ ચૂક્યા છે. એ બાદ ટિકિટોની આકારણી કેમ કરવી તે અંગે બન્ને એજન્સીઓ સંમત પણ થઈ હતી. એ બાદ એમએમઆરડીએ દ્વારા ટેન્ડર પણ મગાવાયાં હતાં. કેટલાક દેશી અને વિદેશી નિષ્ણાતો આ પદ્ધતિ વિકસાવવા કાર્યરત છે. આવા સંજોગોમાં `એક રાષ્ટ્ર એક કાર્ડ'ની સિસ્ટમ માટે પ્રયાસો શરૂ હોવાથી એમએમઆરડીએને તેની એકાત્મક ટિકિટ પદ્ધતિ માટે 60 દિવસ  થોભી જવું એવું નીતિ આયોગ તરફથી કહેવાયું હોવાનું જાણવા મળે છે. એ દરમિયાન કેન્દ્રની યોજના સાકાર થાય તો એકાત્મક ટિકિટ યોજના રદ કરવાનો વારો આવે એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
 

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer