વીજળીના શૉકથી બાળવાઘ ભડથું, બે ખેડૂતની અટક

વીજળીના શૉકથી બાળવાઘ ભડથું, બે ખેડૂતની અટક
નાગપુર/ચંદ્રપુર, તા. 9 (પીટીઆઇ) : ચંદ્રપુર જિલ્લામાં તાડોબા-અંધારી વાઘ અભ્યારણ્યની હદ નજીક એક ખેતરમાં વીજળીનો શૉક લાગવાથી ભડથું થઇ ગયેલા એક બાળ વાઘનો મૃતદેહ મળી આવ્યો હોવાનું વન વિભાગના અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
ડેપ્યુટી કન્ઝર્વેટર અૉફ ફોરેસ્ટ ગજેન્દ્ર નરવાનાએ જણાવ્યું હતું કે જંગલની હદ નજીક મોહાર્લિના ભામદેલી ગામની હદમાં એક ખેતરમાંથી શનિવારે સવારે આ વાઘનો મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમૉર્ટમ અહેવાલ પ્રમાણે આ વાઘને વીજળીનો આકરો શૉક લાગ્યો હતો. આ અભ્યારણ્યની સાત નંબરની વાઘણનું આ બચ્ચું હતું. આ ખેતરના માલિક ઋષિ નન્નવાર અને વિશાલ ધોકેનું જાણવા મળ્યું હતું અને વન વિભાગે તેમની અટક કરી છે.
આ વિસ્તારમાં વાઘ અવાર-નવાર આવતા હોવાથી ત્યાં વાડમાં વીજળીના ખુલ્લા તાર મૂકવાની મનાઇ હોવા છતાં આ ખેતરમાં વીજળીના ખુલ્લા તાર મુકાયા હતા, તેથી આ બંનેની અટક કરાઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer