પ્રસિદ્ધિ માટે અનુપજી સાથે સંબંધો હોવાનું નાટક કરેલું : જસલિન મથારુ

પ્રસિદ્ધિ માટે અનુપજી સાથે સંબંધો હોવાનું નાટક કરેલું : જસલિન મથારુ
મુંબઈ, તા. 9 : ભજનગાયક અનુપ જલોટા અને તેમની શિષ્યા ગાયિકા જસલિન મથારુએ રિલેશનશિપમાં હોવાનું કહીને ટીવી રિયલિટી શો `િબગ બૉસ'માં ધમાકેદાર અને ચર્ચાસ્પદ એન્ટ્રી કરી હતી. જોકે હવે જલોટા બાદ આ કાર્યક્રમમાંથી બહાર આવેલી જસલિને તેમની વચ્ચે કોઈ જ રિલેશનશિપ ન હોવાની સ્પષ્ટતા કરી છે. જસલિને કહ્યું હતું કે આ શોના માધ્યમથી પબ્લિસિટી મેળવવા માટે અમે રિલેશનશિપ હોવાનું નાટક કર્યું હતું. 
જસલિને શોની બહાર નીકળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે `અનુપજી અને મારા પિતા મારો જન્મ નહોતો થયો ત્યારથી એકમેકના મિત્રો છે. હું નાનપણથી અનુપજી પાસે ગાવાનું શીખી રહી હોવાથી અમારી વચ્ચે એક ગુરુ અને શિષ્યાના પવિત્ર સંબંધો છે. આ કાર્યક્રમમાં અમે ગુરુ-શિષ્યા તરીકે જ એન્ટ્રી મારી હતી, પરંતુ મજાક ખાતર મેં સ્ટેજ પર અમારી વચ્ચે રિલેશનશિપ (પ્રેમસંબંધો)હોવાનું ગપ્પું ચલાવ્યું હતું જેની ખૂબ ચર્ચા થઈ હતી. 
જસલિને સ્પષ્ટતા કરી હતી કે અનુપજી આ બાબતે અગાઉથી કંઈ જ નહોતા જાણતા અને ચૅનલ કે કાર્યક્રમ સાથે સંકલાયેલી કોઈ વ્યક્તિએ પણ મને આવું બોલવા માટે ફરજ નહોતી પાડી. આ સાથે જ ગાયકો સુખવિંદર સિંહ અને હની સિંહ સાથે પોતાના અફેરની વાતોને પણ જસલિને અફવા ગણાવી હતી.  Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer