વડોદરામાં વિહિપના સંમેલનમાં રામમંદિર નિર્માણ માટે સંતોનો એકસૂર

વડોદરામાં વિહિપના સંમેલનમાં રામમંદિર નિર્માણ માટે સંતોનો એકસૂર
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 9 : વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા દ્વારા રામજન્મભૂમિ મંદિરનિર્માણ માટે નવલખી મેદાન ખાતે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ હિન્દુ સમાજની લાગણી છે કે ભવ્ય રામમંદિર નિર્માણ થાય એ માટે સરકાર શિયાળુ સત્રમાં કાયદો પસાર કરે એવો બધા સંતોએ એકસૂર વ્યક્ત કરી અનુરોધ કર્યો હતો. 
આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય પ્રધાન ઉમાશંકરજી શર્માએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર બનાવવાનો માર્ગ સરકાર મોકળો કરશે એવો અમને વિશ્વાસ છે. આ સરકાર જ અયોધ્યામાં રામમંદિર બનાવશે. ભગવાન શ્રી રામલલ્લાની જન્મભૂમિમાં તેમની પુન: પ્રતિષ્ઠા માટે અત્યાર સુધીમાં 76 યુદ્ધ અને 4 લાખથી વધુનાં બલિદાનો આપી ચૂક્યાં છીએ. 1944ની 8 અૉક્ટોબરથી 77મું યુદ્ધ પૂજ્ય સંતોના આશીર્વાદ અને નેતૃત્વથી આરંભાયું છે. 
આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજ લલન, પૂ.ગો. વ્રજરાજ કુમાર મહોદય, ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, સૂચેત સ્વામીજી, કોઠારી સ્વામી, પૂ. દર્શનવલ્લભદાસજી હાજર રહ્યા હતા. 
ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા સંસદસભ્ય રંજનબહેન ભટ્ટને આવેદનપત્ર સુપરત કરવામાં  આવ્યું હતું. 
તેમણે જણાવ્યું હતું કે હિન્દુ સમાજ ઈ.સ. 1528થી રામજન્મભૂમિ પર મંદિરનિર્માણ માટે અવિરત સંઘર્ષરત રહ્યો છે. એના સમાધાન માટે વાર્તાઓનો પ્રયાસ સફળ રહ્યો છે. 1950થી ન્યાયપાલિકામાં પ્રયાસ ચાલી રહ્યા છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ છેલ્લાં 8 વર્ષથી મુકદ્દમો ચાલે છે અને ત્યાં પણ મૂળ મુકદ્દમાની સુનાવણી ટાળવા માટે દરેક પ્રકારની ચાલ ચાલી રહી છે. અગાઉની કાયદાકીય કાર્યવાહીની સૂચના ક્યારે મળશે અને કેટલો સમય લાગશે એ કાંઈ નક્કી નથી.
 
 
 
 

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer