સેન્સેક્ષ 582, નિફ્ટી 181 પોઈન્ટ તૂટયો

સેન્સેક્ષ 582, નિફ્ટી 181 પોઈન્ટ તૂટયો
મુંબઈ, તા. 10 : નવા સપ્તાહના ઊઘડતાં સત્રમાં શૅરબજાર ફરી જાણે મંદીની લપેટમાં આવી ગયું એવું ચિત્ર ઊભું થયું છે. આજે સવારે બજારનો બેન્ચમાર્ક સેન્સેક્ષ ખૂલતા જ 478 પોઈન્ટ તૂટયો હતો. એમ તો આવતી કાલે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેના પર બજારની બાઝનજર રહી છે. તો આજે રૂપિયો ડૉલર સામે તૂટયો છે અને સવારે એશિયન બજારોમાં ગાબડાંના અહેવાલ તો અમેરિકા - ચીન વચ્ચે ટ્રેડવૉરના શમવાની અનિશ્ચિતતા, યુએસ ફેડની પોલિસીના સંદર્ભે પણ વિદેશી રોકાણપ્રવાહની દિશા, ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા તેમ જ મેક્રો ડેટા બજારને અસર કરશેની ગણતરીએ શૅરોમાં લેવાલીનું માનસ જાણે અદૃશ્ય થઈ ગયું હોય એમ લાગે છે. આમ ગયા સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે બજારે જે ઝડપી સુધારાની ચાલ દાખવી હતી તે લુપ્ત થઈ ગઈ હતી.
એટલે જ એક તબક્કે બીએસઈનો સેન્સેક્ષ બજાર આગળ ચાલતા 600થી વધુ પોઈન્ટ તૂટયો હતો. જે આ લખાય છે ત્યારે 10.04 વાગ્યે 582 પોઈન્ટ્સનાં ગાબડાં સાથે 35,091 અને નિફ્ટી 181 પોઈન્ટનાં ગાબડાં સાથે 10,571ની સપાટીએ ઊતરી ગયો હતો. અત્રે એમ કહી શકાય કે આવતી કાલે જેમ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં રહેશે એમ બજારમાં ભારે વોલેટાઈલ દાખવશે. વિશેષ તો હુલાઈના ગ્લોબલ સીઈઓની ધરપકડથી અમેરિકા - ચીન વચ્ચે ભડકેલા રક્ષણવાદનું વધારાનું દબાણ પણ વિશ્વ શૅરબજારોમાં દેખાશે.

Published on: Mon, 10 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer