રાહુલ, પ્રિયંકાની માલિકીના ફાર્મ હાઉસને જિજ્ઞેશ શાહની કંપનીએ ભાડેથી લીધું હતું

મુંબઈ, તા. 10 : જિજ્ઞેશ શાહે પ્રમોટ કરેલી કંપની - ફાઈનાન્શિયલ ટેક્નોલૉજીઝ (ઈ.) લિ. (એફટીઆઈએલ)ને વર્ષ 2013ના પ્રારંભે કૉંગ્રેસના તત્કાલીન ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી-વડરાએ દિલ્હીસ્થિત તેઓનું 4.69 એકરનું ફાર્મહાઉસ ભાડે આપવાની યોગ્યતા સામે સવાલો ઊઠી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દ્વારા એફટીઆઈએલ દ્વારા પ્રમોટ કરાયેલી અન્ય કંપની નેશનલ સ્પોટ એકસ્ચેન્જ લિ. (એનએસઈએલ)એ કથિતપણે માર્કેટમાં આચરેલી ગેરરીતિઓ બદલ તેની વિરુદ્ધ તપાસ કરાઈ રહી હતી.
જોકે, કૉંગ્રેસ પક્ષે આને પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં હારના ભયથી મોદી સરકારે તેની સામે ચલાવેલી બદનામીની ઝુંબેશ ગણાવી છે. એફટીઆઈએલ અને રાહુલ, પ્રિયંકા વચ્નેનો આ ભાડા કરાર 1 ફેબ્રુઆરી, 2013નો અર્થાત્ એનએસઈએલને નિયમોના કથિત ઉલ્લંઘન બદલ શૉ-કોઝ નોટિસ મળ્યાના લગભગ 10 મહિના પછીનો છે. એનએસઈએલ કૌભાંડ જુલાઈ, 2013માં બહાર આવ્યું અને આ કરારનો અંત અૉક્ટોબર, 2013માં એટલે કે લીઝ મુદતના બે મહિના પહેલા લાવવામાં આવ્યો હતો. એફટીઆઈએલ અને કૉંગ્રેસ, બંનેએ જણાવ્યું હતું કે આ એક રૂટીન બિઝનેસ ટ્રાન્ઝેકશન હતું. કૉંગ્રેસે જણાવ્યું હતું કે હકીકતમાં કેન્દ્રની યુપીએ અને મહારાષ્ટ્રની કૉંગ્રેસ-એનસીપી સરકારે એફટીઆઈએલ, શાહ તેમ જ અન્યો સામે નિર્ણાયક ફોજદારી કારવાઈ કરી હતી, જેમાં જિજ્ઞેશ શાહની ધરપકડનો સમાવેશ થાય છે. ગત 29 નવેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે એફટીઆઈએલ (હવે 63 મુન્સ ટેક્નોલૉજીસ લિ. નામે  ઓળખાતી)ને એક પત્ર લખ્યો હતો. જેમાં ગાંધી પરિવાર સાથેના તેના કરારની વિગતો માગવામાં આવી હતી.

Published on: Mon, 10 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer