પરિણામ પહેલાં ભાજપ -કૉંગ્રેસ પાળ બાંધે છે, સભ્યો ખેંચવાની ક્વાયત શરૂ

પરિણામ પહેલાં ભાજપ -કૉંગ્રેસ પાળ બાંધે છે, સભ્યો ખેંચવાની ક્વાયત શરૂ
નવી દિલ્હી, તા. 10 : એક્ઝિટ પોલમાં ભારે રસાકસી અને ત્રિશંકુ વિધાનસભાના સંકેતો વચ્ચે ભાજપ અને કૉંગ્રેસ - બંને પક્ષોની બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે નાના પક્ષો અને અપક્ષો પર દારોમદાર રાખશે એવી ભારોભાર શક્યતા વર્તાય છે.
ભાજપ અને કૉંગ્રેસ સામે કર્ણાટકના બનેલા ઘટનાક્રમનો દાખલો તાજો જ છે. જેમાં ભગવા પક્ષને બહુમતી મેળવવા કેવલ સાત વિધાનસભ્યો ઓછા પડતા હતા તેવા સમયે કૉંગ્રેસ - જેડી(એસ) યુતિ રચવાનો માર્ગ મોકળો બન્યો હતો અને તેમાં પણ જેડી(એસ) નાનો પ્રાદેશિક પક્ષ હોવા છતાં મુખ્ય પ્રધાનપદ મેળવવામાં સફળ રહ્યો હતો.
જોકે, હાલની ચૂંટણીઓમાં મોટે ભાગે મુકાબલો કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપનો બની રહેવાનો છે અને પાંચ પૈકી ચાર રાજ્યોમાં બહુમતી માટે બંને મુખ્ય પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ સર્જાવાની શક્યતા છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના સર્વેમાં ભાજપ પાછળ રહી જવાના સંકેત મળ્યા પછી વિપક્ષ છાવણી ઉત્સાહિત નજરે પડી રહી છે. ચૂંટણીનાં પરિણામો આવે તે પહેલાં વિપક્ષની એકતા મજબૂત કરવાના મકસદથી ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુએ આજે ગેર-ભાજપ પક્ષોની મહાબેઠક બોલાવી છે. આ બેઠકમાં વિપક્ષો 2019ની ચૂંટણીમાં એક થઈ ભાજપનો પરાભવ કરવાને લઈ પોતાની રણનીતિની ચર્ચા કરશે. જ્યારે બીજી બાજુ આવતી કાલે શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના `આક્રમણ'ને પહોંચી વળવા ચર્ચાવિચારણા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના ટોચના નેતાઓ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓની બેઠક આજે બોલાવી છે. આમ સત્તાપક્ષ અને વિપક્ષની દેશની રાજધાનીમાં મળી રહેલી બેઠકને લઈ ભારે રાજકીય ગરમાટો આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer