ફિલિપિન્સમાં ભારતીય ચેસ ખેલાડીઓ ઉપર હુમલો

ફિલિપિન્સમાં ભારતીય ચેસ ખેલાડીઓ ઉપર હુમલો
વિદિત ગુજરાતીએ ફેસબુક ઉપર શૅર કરી આપવીતી : ચેસ ફેડરેશને મનિલા દૂતાવાસને કરી જાણ
 
કોલકાતા, તા. 11: ભારતના ત્રણ ટોચના ચેસ ખેલાડી વિદિત ગુજરાતી, અભિજીત કુંટે અને લલિત બાબુ ઉપર ફિલિપિન્સમાં રવિવારે રાત્રે કોઈ અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. એશિયન કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં રમવા માટે ફિલિપિન્સ ગયેલા ત્રણે ખેલાડીઓ હોટલથી 250 મિટરની દૂરીએ પીવાનું પાણી શોધવા નીકળ્યા હતા ત્યારે મકાતી શહેરમાં હુમલાની ઘટના બની હતી. ભારત તરફથી ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવનારા વિદિત ગુજરાતીએ સમગ્ર ઘટના ફેસબુક ઉપર શેર કરી હતી. 
વિદિતે તેની ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, હુમલાની ઘટના બનતા ત્રણે ખેલાડીઓ સ્થળ ઉપરથી નાસી છુટયા હતા પરંતુ હુમલાખોરોએ તેમનો પીછો કર્યો હતો. જો કે ત્રણે ખેલાડી પોતાનો જીવ બચાવી ચૂક્યા હતા. આ સાથે એમ પણ લખ્યું હતું કે, સ્થાનિક લોકોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી નહોતી. ગુજરાતીએ એક વેબસાઈટને કહ્યું હતું કે, પોલીસને ખ્યાલ પણ નહોતો કે આવી કોઈ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ કારણથી સુરક્ષા પણ મળી નહોતી. આ ઉપરાંત હોટલમાં વાઈફાઈ, ભોજન સહિતની સુવિધાઓ પણ યોગ્ય ન હોવાની ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશને ખેલાડીઓને સમર્થન આપ્યું છે અને ફેડરેશનના સચિવ ભારત સિંહ ચૌહાણે ઘટનાની જાણકારી મનિલા દુતાવાસને આપી હતી. જ્યાંથી સકારાત્મક જવાબ મળ્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer