મકાઈનો પાક ઓછો ઊતરે તો પણ આયાતની શક્યતા નથી

મકાઈનો પાક ઓછો ઊતરે તો પણ આયાતની શક્યતા નથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ચોમાસાની ભારતમાંથી વહેલી વિદાય અને રવી મકાઈ પાક માટે જમીનમાં જોઈતો  ભેજ ઓછો હોવાથી વાવેતર ઓછું થયું છે. આના લીધે રવી પાકમાં મોટી ખાધ સર્જાવાનો ભય ઉભો થયો છે. કર્ણાટકના એક નિકાસકારે કરેલા તાજા સર્વે અનુસાર રવી મકાઈ પાક 55થી 60 લાખ ટન કરતાં વધુ નહીં આવે, જે ગત વર્ષે 70થી 75 લાખ ટન હતો.
અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)એ ભારતનો રવી અને ખરીફ મકાઈ પાકનો અંદાજ 260 લાખ ટન મૂક્યો છે. ભારત સરકારે ખરીફ મકાઈ પાકનો અંદાજ 210.46 લાખ ટનનો મૂક્યો છે (ગત વર્ષે 191.47 લાખ ટન) હતો. ખેડૂત લોબી, ટ્રેડરો અને વપરાશકારો આ અંદાજની સાથે સહમત નથી. 
અમેરિકન ગ્રેન કાઉન્સિલની ભારતીય ઓફિસના વડા અમિત સચદેવે કહ્યું છે કે નબળા રવીપાકના સંયોગો છતાં મકાઈની આયાત કે નિકાસ - બન્નેમાંથી કોઈની સંભાવના 2019માં નથી. દક્ષિણનાં રાજ્યોમાં અત્યારે ટન દીઠ રૂા. 18,000નો ભાવ ગણીએ તો ભારતની વર્તમાન એફઓબી નિકાસ પડતર 260 ડોલર આસપાસની છે. અમેરિકન મકાઈ આજે જાન્યુઆરી ડિલિવરી 165 ડોલર અને માર્ચ શિપમેન્ટ 172 ડોલર એફઓબી બોલાય છે. ભારતનો વપરાશ 240થી 250 લાખ ટન ગણીએ તો ઓછા રવી પાક છતાં અહીં મોટી અછત સર્જાવાનો ભય પણ નથી.
ભારતમાં અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, તેથી સરકાર પણ પાંચ લાખ ટન ટેરીફ રેટ (નિકાસ) ક્વોટા (ટીઆરકયુ) પર કોઈ નિર્ણય કરવાની સ્થિતિમાં નથી. વળી કમર્શિયલ મકાઈ આયાત પર 60 ટકા આયાત જકાત હોવાથી અમેરિકામાં 100 ડોલર નીચા એફઓબી ભાવે મળતી મકાઈની અહીં આયાત પડતર બેસે તેમ નથી. નબળા પાકને લીધે જો સરકાર ટીઆરકયુ જાહેર કરે તો, ખેડૂતો અને સ્ટોક હોલ્ડરોની સરકાર પ્રતિ નારાજગી, પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી વધી શકે છે. અલબત્ત, સરકારે પણ લઘુતમ ટેકાના ભાવે મકાઈની ખાસ કોઈ ખરીદી કરી નથી. સાથે જ વેપારીઓ અને ખેડૂતોનો હોલ્ડિંગ પાવર વધુ હોવાથી સ્ટોકના માલ પરની પકડ મજબૂત છે. ભાવ વધુ પડતા ઊંચે જાય તો, સ્ટોકના માલો બજારમાં ઠલવાઈ શકે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer