ચૂંટણી પરિણામોની અસર ધોવાતાં શૅરોમાં સુધારો

ચૂંટણી પરિણામોની અસર ધોવાતાં શૅરોમાં સુધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : શૅરબજારમાં આજે શરૂઆતમાં સૂચકાંક મંદી ગેપથી ખૂલ્યા પછી નીચા મથાળેથી સુધારો થતાં એનએસઈ ખાતે નિફ્ટી ટ્રેડિંગ અંતે અગાઉના બંધથી 61 પોઈન્ટ સુધરીને 10,549 બંધ રહ્યો હતો. આજે વિધાનસભા ચૂંટણીનાં પરિણામ હોવાથી શરૂઆતમાં બજાર નીચેમાં 10,350 ખૂલીને 10,333ના દૈનિક તળિયે ગયા પછી સટ્ટાકીય વેચાણો કપાવાથી પુન: સુધારાતરફી બન્યું હતું. આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલના સ્થાને સરકારને અનુકૂળ આઈએએસ અધિકારી (હસમુખ અઢિયા?) મુકાવાની શક્યતા વ્યક્ત થતાં આજે મોટા ભાગના ક્ષેત્રીય ઇન્ડેક્સ સુધારીને બંધ રહ્યા હતા. વિધાનસભા ચૂંટણીનાં પરિણામની નકારાત્મક અસર આજ પૂરતી તો ધોવાઈ જવાથી એનએસઈ ખાતે નિફ્ટીના અગ્રણી શૅરોમાંથી 35 શૅર સુધરવા સાથે 15 શૅરના ભાવ વત્તા-ઓછા ઘટીને બંધ રહ્યા હતા. આજનો બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો હતો. જેથી બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસ 1.5 ટકા સુધર્યા હતા. જ્યારે મેટલ, કન્સ્ટ્રક્શન ડયુરેબલ્સ, રસાયણ, બૅન્કિંગ, બાંધકામ, એન્જિનિયરિંગ, સહિતના તમામ, ફાર્મા એકમ ક્ષેત્રવાર તમામ ઇન્ડેક્સ 1થી 2 ટકા સુધી સુધર્યા હતા. બીએસઈ સેન્સેક્ષ 190 પોઈન્ટ સુધરીને 35,150 બંધ હતો.
બજારના સુધારાની આગેવાની લેતા કોટક બૅન્ક 3.20, એકસીસ બૅન્ક રૂા. 18, એસબીઆઈ રૂા. 7 અને બજાજ ફીનસર્વ રૂા. 132 સુધર્યા હતા. ફાર્મા ક્ષેત્રે ડૉ. રેડ્ડીઝ રૂા. 26 અને સનફાર્મા રૂા. 23 વધ્યો હતો. જ્યારે ઔદ્યોગિક અને શૅરોમાં અલ્ટ્રાટેક રૂા. 08, ગ્રાસીમ રૂા. 10, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 7 અને એશિયન પેઈન્ટ રૂા. 40 વધ્યા હતા. વાહન શૅરોમાં એમએમએમ રૂા. 18, આઇશર મોટર્સ રૂા. 236, બજાજ અૉટો રૂા. 14, આઈટી શૅરોમાં ટીસીએસ રૂા. 24, ઇન્ફોસીસ 8.5, એચસીએલ ટેક્નોલૉજી રૂા. 15 વધ્યા હતા. વ્યક્તિગત શૅરોમાં સેઈલ 2 ટકા વધ્યો હતો.
આજે સુધારાની વિરુદ્ધ ઘટનાર શૅરોમાં એચડીએફસી રૂા. 29, એલએન્ડટી રૂા. 6, મારુતિ સુઝુકી રૂા. 45, એચસીએલ રૂા. 6 અને આઈઓસી રૂા. 2 ઘટયા હતા. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે પ્રતિકૂળ હોવા છતાં આરબીઆઈના નવા વચગાળાના ગવર્નર બજારમાં પ્રવાહિતા વધારશે એવી અપેક્ષાએ એનબીએફસી અને બૅન્કિંગ શૅરોનો સુધારો જોવાયો હતો એમ બ્રોકરોએ જણાવ્યું છે. જોકે, ટેક્નિકલી નિફ્ટીમાં હવે 10,570 ઉપર 10,752 મુખ્ય પ્રતિકાર સપાટી ગણાય. નીચેમાં 10,463નો સપોર્ટ તૂટયો હોવાથી બજારમાં વોલિટાલિટી વધવાથી મધ્યમ ગાળે નિફ્ટી 10,200 નીચે જવાની સંભાવના છે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer