નિકાસકારો નિકાસ નીતિમાં વધુ સ્પષ્ટતા ઈચ્છે છે

નિકાસકારો નિકાસ નીતિમાં વધુ સ્પષ્ટતા ઈચ્છે છે
કપાસના કયા ક્ષેત્રને લાભ થશે?

અમદાવાદ, કોચી,  તા. 11 : કૃષિ પેદાશોના નિકાસકારોએ નવી કૃષિ નિકાસ નીતિને આવકાર તો આપ્યો છે, પરંતુ તેઓ વધુ સ્પષ્ટતા અને ક્ષેત્રવાર પગલાં જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે.
સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસીએશન અૉફ ઇન્ડિયા (સી)કહ્યું કે નવી પૉલિસી, સાચી દિશાનો નિર્ણય છે. પરંતુ ચોક્કસ કૉમોડિટીમાં કયા લાભ મળી રહ્યા છે, તે હજુ જોવાનું બાકી છે. એસોસીએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારનું આ પગલું એકંદરે આવકારદાયક છે અને તે કૃષિ નિકાસોને પ્રોત્સાહન આપનાર બની રહશે. નવી પૉલિસીની જાહેરાતને પગલે સરકાર કૃષિ નિકાસ બાબતે ફોકસ હોવાનું દર્શાવે છે.
ચોખા, માંસ અને મરીન પ્રોડક્ટ્સ દેશની કુલ કૃષિ નિકાસોમાં 50 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવતાં હોવા છતાં કપાસના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવા માટે વેપારીઓને હજુ રાહતો અને પ્રોત્સાહનની પ્રતીક્ષા છે. કપાસના ક્ષેત્રે કયા લાભ મળશે, તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી. કોટન એસોસીએશન અૉફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ નયન મિરાણીએ જણાવ્યું છે કે લઘુતમ ટેકાના ભાવમાં મોટા પાયે વધારા બાદ નિકાસકારો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કપાસના નિકાસકારો માટે ખર્ચ ઘટાડીને સ્પર્ધાત્મક બનવું અત્યંત જરૂરી બન્યું છે.
રાઈસ એક્સપોર્ટર્સ એસોસીએશનના પ્રમુખ બીવી ક્રિશ્ન રાવે જણાવ્યું કે સરકારે ચોખાના મિલર્સને ટેક્નૉલૉજી તેમ જ પ્રોસેસ સુધારવા માટે મૂડી સહાય કરવી જોઈએ. કેશ્યૂ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ અૉફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સેક્રેટરી એસ. કન્નને નવી પૉલિસી હેઠળ નિકાસકારોને ઈરાન, ટર્કી, રશિયા અને સીઆઈએસ દેશો જેવા બિન-પરંપરાગત બજારો સર કરવા કહ્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer