શિવસેના હવે એકલે હાથે ચૂંટણી લડવાના નિર્ણય પર અડગ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 11 : મોદી સરકારમાં શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન અનંત ગીતેએ જણાવ્યા મુજબ પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં પરિણામોને જોતાં એવું લાગે છે કે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાન્યુઆરી 2018માં સ્વબળે ચૂંટણી લડવાનો જે નિર્ણય કર્યો હતો એ તદ્દન સાચો અને યોગ્ય હતો.
ગીતેએ જણાવ્યું હતું કે શિવસેનાએ લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી સ્વબળે લડવાનો જે નિર્ણય કર્યો છે એમાં હવે કોઈ ફેરફાર થશે નહીં અને આજનાં પરિણામોને જોતાં એવું લાગે છે કે શિવસેનાને આ નિર્ણય બદલવાની કોઈ જરૂર પણ નથી.
જાન્યુઆરી 2018માં શિવસેનાએ એની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સ્વબળે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો હતો.
અનંત ગીતેએ જણાવ્યું હતું કે પાંચ રાજ્યોની આ ચૂંટણી દરમ્યાન તેઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ગયા હતા અને જોયું હતું કે 2014 જેવી કોઈ મોદી-લહેર ત્યાં દેખાતી નહોતી. શિવસેનાનું માનવું છે કે લોકસભાની સાથોસાથ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવી જોઈએ.
શિવસેનાના સંસદીય પક્ષના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે પરિણામો ભાજપ માટે સ્પષ્ટ સંકેત છે અને સત્તાધારી એનડીએ ગઠબંધને આત્મખોજ કરવાની જરૂર છે. ચૂંટણીનાં આ પરિણામોથી એવું લાગે છે કે ભાજપનો વિજયરથ થંભી ગયો છે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer