મ્હાડાનાં ઘર માટે આવી પોણાબે લાખ અરજી

16 ફેબ્રુઆરીએ રવિવારે લૉટરીનો ડ્રૉ
 
મુંબઈ, તા. 11 : મ્હાડાનાં ઘર માટે સોમવાર સાંજ સુધી પોણાબે લાખથી વધુ અરજી આવી છે અને એનો ડ્રૉ રવિવારે કરવામાં આવશે.
મ્હાડાએ સાયન, વડાલા, ગ્રાન્ટ રોડ, ચેમ્બુર, ઘાટકોપર, કાંદિવલી-વેસ્ટ, ગોરેગામ-ઈસ્ટ તથા વેસ્ટ, મલાડ, બોરીવલી, દહિસર, માટુંગા, દાદર, વડાલાના ઍન્ટૉપ હિલ, વિક્રોલી-ઈસ્ટ, માનખુર્દ, પવઈ અને મુલુંડનાં મળી કુલ 1384 ઘરોની લૉટરીનો ડ્રૉ થવાનો છે.
મ્હાડાનાં એ ઘર માટે સોમવારે સાંજે 8 વાગ્યા સુધી 1,90,501 અરજી આવી હોવાનું મ્હાડાંના સૂત્રોએ જણાવ્યું છે; એમાં અનામત રકમ ન ભરનાર અરજદારોની સંખ્યા 36,125 અને અનામત રકમ ભરનાર અરજદારોની સંખ્યા 1,54,376 જેટલી છે. સોમવારે રાતે 12 વાગ્યે અરજી કરવાની મુદત પૂરી થઈ હતી.
સ્વીકૃત અરજીઓની યાદી 14 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે અને રવિવારે 16 ડિસેમ્બરે બાંદરાના ગૃહનિર્માણ ભવનમાં મ્હાડાની વેબસાઈટ પર સવારે 10 વાગ્યે લૉટરીના ડ્રૉ જાહેર કરી નસીબવંતોનાં નામ જાહેર કરવામાં આવશે. ડ્રૉની પ્રક્રિયા અને પૂર્વતૈયારીનું જીવંત પ્રસારણ સવારે 7 વાગ્યાથી https:/lottery.mhada.gov.in વેબસાઇટ પર જોઈ શકાશે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer