લોકરક્ષક પેપર લીક કાંડ

દિલ્હીના બે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, અમદાવાદમાં રચાયું હતું કાવતરું
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : લોક રક્ષક દળ પરીક્ષાના પેપર લીક કાંડ મામલે પોલીસે દિલ્હી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.  આ બન્ને આરોપીઓ પૈકી એક અશોક સાહુ અને બીજો વિનિત માથુર છે. પેપર લીક કરવા માટેનું પૂરું ષડયંત્ર અમદાવાદમાં જ રચવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 
ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, પેપર લીક મામલે મધ્યપ્રદેશ અને દિલ્હી ગયેલી પોલીસની ટીમને સફળતા મળી છે. પેપર લીક કાંડ મામલે દિલ્હીના વિનિત માથુર અને મધ્યપ્રદેશના અશોક સાહુને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી વિનિત માથુરે પરીક્ષાર્થીઓને દિલ્હીમાં ક્યાં અને કેવી રીતે લઇને રાખવા તેની તમામ વ્યવસ્થા ગોઠવી હતી, જ્યારે અશોક સાહુ પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેના ઘરે પણ તપાસ કરી હતી. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં લેવાતી પરીક્ષાઓનું સાહિત્ય મળી આવ્યું હતું. તેણે અન્ય પેપર પણ લીક કર્યાનું સામે આવ્યું હતું. પોલીસે અગાઉ તેની એફસીઆઇ પરીક્ષાના પેપર લીક કેસમાં ધરપકડ કરી હતી પરંતુ જામીન ઉપર મુક્ત થયા બાદ તેણે લોકરક્ષક દળનું પેપર લીક કર્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી વિનિતની પૂછપરછમાં સામે આવ્યું છે
કે પેપર લીક કાંડ માટે સૌ પ્રથમ 28 તારીખે કૌભાંડીઓની મિટિંગ અમદાવાદના આશ્રમરોડ પર આવેલી હોટલ વાઇસ પ્રેસિડેન્ટમાં થઇ હતી. આ મિટિંગમાં ગુજરાતના ઇન્દ્રવદન, નીલેશ દિલીપ ચૌહાણ (વડોદરા), સુરેશકુમાર ડાહ્યાલાલ પંડયા (નવા નરોડા), અશ્વિન પરમાર (દિલ્હી) તથા મનીષસિંહ હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ પેપર લીક માટેનું આખું ષડયંત્ર અહીં રચ્યું હતું. સાથે પેપરની કિંમત નક્કી કરી હતી અને પરીક્ષાર્થીઓને પેપર કેવી રીતે પહોંચાડવું તે તમામ બાબતો આ મિટિંગમાં નક્કી કરવામાં આવી હતી. ષડયંત્રના આયોજન મુજબ, પરીક્ષાર્થીઓને દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને અલગ અલગ જગ્યા પર લઇ જઇ પેપર બતાવવામાં આવ્યા હતા.  પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને તપાસમાં હજુ મોટા માથાની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. દિલ્હીમાં કેટલાક લોકેશનની વિગતો તથી સીસીટીવીને એફએસેલમાં મોકલી આપવામાં આવ્યા છે. 
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer