અમદાવાદના જાદુગરે વર્ગ-1ના અધિકારીને લાંચ લેતાં પકડાવી મોટો ખેલ પાડી દીધો!

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11: જાદુના નાના-મોટા ખેલ કરી લોકોને મનોરંજન પૂરું પાડતા એક જાદુગરે વાસ્તવિક જીવનમાં વર્ગ-1ના અધિકારીને લાંચ લેતા પકડાવી દઇ મોટો ખેલ પાડી દીધો હતો. આ જાદુગરને તેની કલાના રજિસ્ટ્રેશન માટે 20હજાર રૂપિયા માગવામાં આવતા એસીબીની મદદથી લાંચિયા અધિકારીને જ હથકડી પહેરાવી દીધી હતી. 
એસીબીના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં એક જાદુગરે કલાકાર તરીકે રજિસ્ટ્રેશન માટે ફોર્મ ભર્યુ હતું. તેમાં નોટિસના આધારે અૉડિશનમાં સિલેક્ટ થવા માટે રિજનલ આઉટરીચ બ્યૂરોના ડાયરેકટર મનીષ રામપ્રસાદ ગૌતમ દ્વારા 20 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આથી જાદુગરે એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. અમદાવાદમાં નહેરુનગર સર્કલ પાસે આવેલા રિજનલ આઉટરીચ બ્યૂરોમાં ગઇકાલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અહીં વર્ગ-1ના આધિકારી રિજનલ આઉટરીચ બ્યૂરો (મિનિસ્ટ્રી અૉફ ઇન્ફોર્મેશન ઍન્ડ બ્રોડકાસ્ટિંગ)ના ડાયરેકટર મનીષ રામપ્રસાદ ગૌતમ જાદુગર પાસેથી રૂા.20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી તરીકે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના આર.ટી. ઉદાવત અને તેમની ટીમે આરોપીને ઝડપી લઇ રૂા.20 હજાર કબજે લીધા હતા.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer