હવે લોકસભાની ચૂંટણીમાં રાહુલ અને મોદી વચ્ચે સીધો મુકાબલો નિશ્ચિત

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કૉંગ્રેસે પુનરાગમન કરતાં અને હિન્દીભાષી રાજ્યોમાં ભાજપને સત્તા પરથી બહાર ફેંકતાં હવે એક વાત નક્કી થઈ ગઈ છે કે, લોકસભાની આગામી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી વચ્ચે સીધી સ્પર્ધા થશે.
આજના વિજયથી કૉંગ્રેસનો નૈતિક જુસ્સો વધ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીનો મુકાબલો કરવાની ક્ષમતા માત્ર રાહુલ ગાંધી પાસે છે એવો જોરદાર સંદેશ બિનકૉંગ્રેસી પક્ષોને પાઠવવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં કૉંગ્રેસ રાહુલ ગાંધીની નેતાગીરી હેઠળ મહાગઠબંધન માટે સાથી પક્ષો સમક્ષ પોતાની શરતો મૂકી શકે છે. આમ છતાં જ્યાં સુધી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને બસપાનાં સુપ્રીમો માયાવતી તથા સપા જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી કૉંગ્રેસની આગેવાની હેઠળના સંભવિત મહાગંઠબંધનને સફળતા મળે નહીં. કૉંગ્રેસને માયાવતીની બસપા અને મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી ટેકો આપે છે કે નહીં તેના પર બધો મદાર રહેલો છે અને જો આ લોકો ટેકો આપશે તો કૉંગ્રેસ અને બસપા-સપા વચ્ચેની બેઠક વહેંચણીની ઘાટાઘાટો માટેનો માર્ગ મોકળો થઈ શકે? કારણ કે આ પક્ષો પોતાના રાજ્ય ઉત્તર પ્રદેશમાં વાંધા ધરાવે છે અને કૉંગ્રેસને વધુ કોઈ અવકાશ આપવા માગતા નથી અને તેઓ આ બાબતમાં તેલંગણમાં મહાગઠબંધનની નિષ્ફળતાને આગળ ધરી રહ્યા છે કારણકે તેલંગણમાં ટીડીપી, કૉંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધનને કેસીઆરના ટીઆરએસ દ્વારા પરાજયનો સામનો કરવો પડયો છે.
ભાજપ માટે આ એક પરાજય છે. પરંતુ હજી સુધી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સંપૂર્ણ રકાસ થયો નથી અને લોકસભાની ચૂંટણી માટે હજી પણ આશા અકબંધ છે, પરંતુ ભાજપ માટે આઘાતજનક બાબત એ છે કે, કર્ણાટક બાદ સતત બીજો પરાજય થયો છે. ભાજપે હવે આત્મચિંતન કરવું પડશે કે આ પરાજય શાસનવિરોધી પરિબળને કારણે થયો છે કે એસસી અને એસટી કાયદાને હળવો કરવાથી સવર્ણોના મતો ગુમાવવાથી થયો છે કે પછી વેપારીઓ અને ખેડૂતોની નારાજગીને કારણે થયો છે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer