પાલઘરમાં જમીન જ નહીં, લોકો પણ ધ્રૂજ્યા

એક મહિનામાં 12 ભૂકંપ આવ્યા, લોકો ગભરાઈને ખેતરમાં રાત વિતાવે છે
 
પાલઘર, તા. 11 : મુંબઈ નજીક આવેલા પાલઘર જિલ્લામાંના દહાણુ તાલુકાના લોકોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીંના તલાસરી વિસ્તારમાં 11 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાનના 30 દિવસમાં 12 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે રિક્ટર સ્કેલ 52 ભૂકંપના આંચકા બહુ ચિંતાજનક નહોતા, પણ લોકોમાં ગભરાટ પેસી ગયો છે. એક મહિનામાં 8 દિવસ એવા વીત્યા હતા જેમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. એવામાં બે દિવસ તો એવા વીત્યા જેમાં ત્રણ-ત્રણ વખત ધરા ધ્રૂજી હતી. અમુક જગ્યાએ તો ગભરાયેલા લોકો ઘરની બહાર જ સૂઈ રહ્યા છે એને લીધે જિલ્લાના સત્તાવાળાઓની ચિંતા વધી છે અને એની તપાસ માટે તેમણે ભૂ-વૈજ્ઞાનિકોને બોલાવ્યા છે.
ઘણાખરા બનાવમાં ભૂકંપના આંચકા ગ્રામીણ વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપના ડરથી ગ્રામવાસીઓ ખેતરમાં રાત વિતાવે છે. પાલઘરના જિલ્લાધિકારી પ્રશાંત નારનવરેએ કહ્યું કે `દહાણુ તાલુકાના, તલાસરીના દાપચરી, ઘૂંદલવાડી, વરખંડા, હળદપાડ, વડવલી, અંબોલી અને કુર્ઝે વગેરે ગામડાંઓમાં છેલ્લા 30 દિવસમાં 12 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 2.1થી લઈને 3.3ની તીવ્રતાના ભૂકંપ હતા. ભૂકંપમાં અનેક ઘરની દીવાલો તથા જમીનમાં તિરાડો પડી ગઈ છે. એક જ ક્ષેત્રમાં વારંવાર ભૂકંપ આવવાનું કારણ શું હશે એની તપાસ માટે અમે ભૂ-વૈજ્ઞાનિકોની ટીમને બોલાવી છે. ટીમ બે દિવસ ભૂકંપગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરશે અને એ માટેના જરૂરી ઉપાયો સૂચવશે. અત્યારે તો ગભરાયેલા લોકો ઘરની બજાર અથવા ખેતરમાં રાત વિતાવી રહ્યા છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer