પ્રજા નાખુશ છે એવો મોદી સરકારને સ્પષ્ટ સંદેશો : રાહુલ

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઇ) : કૉંગ્રેસના પુનરુત્થાનથી પ્રોત્સાહિત થયેલા પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ મોદી સરકારને એવો `સ્પષ્ટ સંદેશો' છે કે પ્રજા સરકારથી ખુશ નથી અને પરિવર્તન માટેનો સમય આવી ગયો છે તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે અમારો પક્ષ 2019ની ચૂંટણી પણ જીતશે.
પત્રકાર પરિષદને સંબોધતાં રાહુલ ગાંધીએ એવી નોંધ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચંડ જનાદેશ મેળવ્યો હતો, પરંતુ `દેશની ધડકન' સાંભળવાનું નકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોના ભવિષ્ય વિશે ગંભીર સવાલો પુછાઈ રહ્યા છે, કારણ કે ભાવિને જોવા માટે બેચેની અને અસમર્થતાની લાગણી પ્રવર્તી રહી છે.
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પક્ષના સારા દેખાવ બદલ પક્ષના કાર્યકરોનો આભાર માનતાં રાહુલે જણાવ્યું હતું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. અમે આ ત્રણ રાજ્યોને સમગ્ર વિકાસ માટેનું વિઝન પૂરું પાડીશું. જોકે રાહુલે ઉમેર્યું હતું કે તેલંગણમાં બહેતર દેખાવ કરવાનું તેમને ગમત.
કૉંગ્રેસમુક્ત ભારતની વારંવાર કરેલી ટિપ્પણ બદલ ભારતીય જનતા પક્ષ (ભાજપ) પર પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ એક ચોક્કસ વિચારસરણી ધરાવે છે અને અમે તેની સામે લડત આપીશું. અમે આ ચૂંટણી જીત્યા છીએ અને 2019ની ચૂંટણી પણ જીતીશું, પરંતુ અમે કોઈથી છુટકારો મેળવવા નથી માગતા. `હમ કિસી કો મુક્ત કરના નહિ ચાહતે.'
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનોની પસંદગી વિશે પુછાતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોઈ સમસ્યા નહીં હોય અને બધું સરળતાથી પાર પડશે.
વડા પ્રધાન મોદી માટે એવો સ્પષ્ટ સંદેશ છે કે નોટબંધી અને ખેડૂતો તથા યુવાનોને લગતા નિર્ણયો સહિત તેમના નિર્ણયોથી પ્રજા ખુશ નથી. દેશની પ્રગતિ માટે વિઝન પૂરું પાડવામાં ભાજપ નિષ્ફળ નીવડયો છે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer