હવે કેબલવાળાને દર મહિને ચૂકવવા પડશે 500 રૂપિયા

હવે કેબલવાળાને દર મહિને ચૂકવવા પડશે 500 રૂપિયા
દરવધારાનો કેબલ ચાલક સંગઠનોનો વિરોધ
 
મુંબઈ, તા. 11 : ટેલિકૉમ રેગ્યુલેટરી અૉથૉરિટી (ટ્રાય) એ ઘરગથ્થુ કૅબલના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે થયેલી જાહેર સુનાવણી દરમિયાન કૅબલ ચાલક સંગઠનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. 29 ડિસેમ્બરથી દર વધારો કરવામાં આવશે. તેથી અત્યારે કૅબલ પર સામાન્ય રીતે જે ચેનલ જોવા માટે 250 રૂપિયા ચૂકવવા પડે છે તે માટે ભવિષ્યમાં અંદાજે 500 રૂપિયા ચૂકવવા પડશે. 
મુંબઈમાં ટ્રાયનું કાર્યાલય ન હોવાથી સુનાવણી બેંગલુરૂ વિભાગીય કાર્યાલય દ્વારા કરવામાં આવી હતી. ટ્રાયના નિર્ણય મુજબ પહેલી જાન્યુઆરીથી કૅબલના ગ્રાહકો પાસેથી દર મહને 100 રૂપિયા શુલ્ક લેવામાં આવશે. તેના બદલામાં તેમને 100 ચેનલો નિ:શુલ્ક આપવામાં આવશે અને જો તેના કરતાં વધુ ચેનલો જોઈતી હોય તો તે માટે વધારે રકમ ચૂકવવી પડશે. પહેલી 100 નિ:શુલ્ક ચેનલોમાં બધી ચેનલ દમદાર હશે તે જરૂરી નથી. મનગમતી 15 ચેનલ ચોઈસ કરીને તેના માટે 300 રૂપિયા વધુ ચૂકવવા પડશે. મનગમતી ચેનલો વધુ હશે તો ચેનલની સંખ્યા અને બીલ બન્નેમાં વધારો થશે. કરનો બોજો પણ ગ્રાહકો પર નાખવામાં આવશે. અત્યારે ગ્રાહકોને 250 રૂપિયામાં 500 ચેનલ દેખાય છે. 
સ્થાનિક કૅબલચાલક સંગઠનો, શિવસેનાપ્રણીત કેબલ સંગઠનો, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની કૅબલસેના સહિત અન્યોએ સુનાવણી દરમિયાન દર વધારાનો વિરોધ કર્યો હતો. જબરજસ્તી દર વધારો કરવામાં આવશે તો કાયદા અને સુવ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે. તેથી દર વધારો એક વર્ષ માટે મોકૂફ રાખવો જોઈએ. આ વર્ષ દરમિયાન સર્વ સંબંધિતોનું શું કહેવું છે તે સાંભળ્યા બાદ ફરી નવુ પૅકેજ તૈયાર કરવું, તેવી માગણી કરવામાં આવી છે. 
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer