ભુજ સુપરફાસ્ટ એક્સ્પ્રેસમાં મહિલાનું મર્ડર કરનાર આરોપી સીસીટીવી ફૂટેજમાં દેખાયો

ભુજ સુપરફાસ્ટ એક્સ્પ્રેસમાં મહિલાનું મર્ડર કરનાર આરોપી સીસીટીવી ફૂટેજમાં દેખાયો
બોરીવલીથી તે લેડીઝ ડબામાં ઘૂસ્યો હતો; પોલીસ તેને શોધી રહી છે
 
મુંબઈ, તા. 11 : મુંબઈ આવી રહેલી 40 વર્ષની દેડિયાદેવી ચૌધરી નામની સુરતની મહિલા પ્રવાસીની હત્યા થઈ હતી એ ભુજ સુપરફાસ્ટ એક્સ્પ્રેસમાંના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં એક યુવક ઘૂસ્યો હતો. બોરીવલી સ્ટેશનના સીસીટીવી કૅમેરામાં એ અજાણ્યો શખસ ડબ્બામાં ઘૂસતી વખતે કેદ થયો છે. એ શખ્સ કોણ હતો એની  રેલવે-પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાત રહેતી દેડિયાદેવી શુક્રવારે સુરતથી દાદર આવી રહી હતી અને તે સુરતથી ભુજ સુપરફાસ્ટ એક્સ્પ્રેસમાં બેઠી હતી. દેડિયાદેવી જે ડબ્બામાં બેઠી હતી એમાં 20-25 મહિલા પ્રવાસીઓ હતી, પણ એ બધી મહિલાઓ બોરીવલી ઊતરી ગઈ હતી. ત્યાર બાદ દેડિયાદેવી એકલી જ લેડીઝ ડબામાં હતી. ભુજ એક્સ્પ્રેસ શુક્રવારે બપોરે દાદર પહોંચી ત્યારે આરપીએફના જવાનને દેડિયાદેવીનો અર્ધનગ્ન મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો હતો. દેડિયાદેવીના મૃતદેહ પર સાડી ઢાંકી દેવામાં આવી હતી અને તેમના શરીર પરનાં સોનાનાં ઘરેણાં ગાયબ હતાં.
દરમિયાન, પોલીસે બોરીવલી રેલવે-સ્ટેશન પર જે પ્લૅટફૉર્મ પર ભુજ એક્સ્પ્રેસ આવી હતી એનાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં બોરીવલીમાં એક શખસ દેડિયાદેવી જે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેઠી હતી એમાં ઘૂસતો જોવા મળ્યો હતો. એ જ વ્યક્તિએ દેડિયાદેવીની લૂંટના ઇરાદે હત્યા કરી હોવી જોઈએ એવી શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસ એ અજાણ્યા શખસને શોધી રહી છે અને ત્યાર બાદ જ હત્યાના પ્રકરણની સ્પષ્ટતા થઈ શકશે એવું પોલીસે કહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer