શક્તિકાન્ત દાસ આરબીઆઈના નવા ગવર્નર નિમાયા

શક્તિકાન્ત દાસ આરબીઆઈના નવા ગવર્નર નિમાયા
આર્થિક બાબતોના સચિવ રહેલા દાસ પર નોટબંધીની તરફદારી માટે તડાપીટ બોલી હતી
 
નવી દિલ્હી તા. 11:  રીઝર્વ બેન્કના ગવર્નરપદેથી ઉર્જિત પટેલે ગઈ કાલે એકાએક રાજીનામું આપ્યા બાદ સરકારે આજે શકિતકાન્ત દાસની, આરબીઆઈના 2પમા ગવર્નર તરીકે નિમણૂંક કરી છે.
'1પથી '17 દરમિયાન આર્થિક બાબતોના સચિવ રહેલા દાસ મધ્યસ્થ બેન્ક સાથે નિકટપણે કામ કરી ચૂકયા છે. હાલ ફાયનાન્સ કમિશન ઓફ ઈન્ડિયાના સભ્ય રહેલા દાસ ગ્રુપ ઓફ ટ્વેન્ટી સમિટ્સમાં સરકારના પ્રતિનિધિ છે.
શરૂમાં વડા પ્રધાન તેમને મહેસૂલ વિભાગના વડા પદ માટે નાણાં મંત્રાલયમાં લાવ્યા હતા, પછીથી તેમને આર્થિક બાબતોમાં ખસેડવામાં આવ્યા, જયાં તેઓ નોટબંધી કાર્યક્રમના સૂત્ર સંચાલનમાં મદદરૂપ થયા.
નોટબંધી તરફી વલણ માટે તેમની પર તડાપીટ બોલી હતી.  એ ગતિવિધિ વેળા તે બાબતના સૌથી વધુ વાચાળ નોકરશાહ તેઓ હતા.
ગયા વર્ષે તેમણે વૈશ્વિક રેટીંગ એજન્સીઓની મેથોડોલોજીની આલોચના કરી હતી અને  સાર્વભૌમ રેટીંગ ઉપર જાય તેવી ખેવના રાખી હતી.  મોદી સરકારમાં તેમ જ આગલી કોંગ્રેસી નેતૃત્વવાળી સરકારમાં પણ બજેટ ડિવિઝનમાં તેઓ વિસ્તૃતપણે કામ કરી ચૂકયા છે.
ઉર્જિત પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યાનું જણાવ્યું હતું પરંતુ મધ્યસ્થ બેન્ક અને સરકાર વચ્ચેની ખડાજંગી, લાંબા સમયથી ખુલ્લંખુલ્લા બની ગઈ હતી.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer