રાજસ્થાન-છત્તીસગઢમાં કૉંગ્રેસનો પંજો હાવી

રાજસ્થાન-છત્તીસગઢમાં કૉંગ્રેસનો પંજો હાવી
મધ્યપ્રદેશમાં મોડી રાત સુધી ચિત્ર અસ્પષ્ટ : મિઝોરમનો ગઢ કૉંગ્રેસે ગુમાવ્યો : તેલંગણમાં ટીઆરએસે ફરી વિજયપતાકા ફરકાવી
 
નવી દિલ્હી, તા. 11 :?લોકસભા ચૂંટણી પૂર્વે સત્તાની સેમિફાઈનલ ગણાવાયેલા પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે ઝટકા સમાન રહ્યા છે. તો કોંગ્રેસને લાંબા સમય બાદ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસે રાજસ્થાનમાં રસાકસીભર્યો વિજય મેળવીને તો છત્તીસગઢમાં રીતસરનો સપાટો બોલાવીને કેસરિયા પક્ષ પાસેથી સત્તા છિનવી લીધી હતી, તો મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે અને રુઝાન પ્રમાણે કોંગ્રેસ સત્તા મેળવવા ફેવરિટ જણાય છે. છેલ્લા અહેવાલ મુજબ ભાજપની 109 જ્યારે કૉંગ્રેસની 115 બેઠક પર સરસાઈ હતી.
તેલંગાણામાં 87 બેઠક સાથે ટીઆરએસે સપાટો બોલાવી દીધો હતો, તો મિઝોરમમાં એમએનએફની ભવ્ય જીત સાથે ઉત્તર-પૂર્વમાંથી કોંગ્રેસની હવે સાવ બાદબાકી થઈ ગઈ છે. આ જીતથી લોકસભા જંગ પૂર્વે કોંગ્રેસ ખાસ કરીને હિન્દી પટ્ટામાં મજબૂત બની છે, તો ભાજપે નવેસરથી વ્યૂહરચના ઘડવી પડશે. પરિણામો બાદ હવે જે તે રાજ્યોમાં મુખ્યમંત્રી પદ માટેની હરીફાઈ તીવ્ર બની છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે તો મધ્યપ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે હરીફાઈ છે. તો છત્તીસગઢમાં ટી.એસ. સિંહદેવ, ભૂપેશ વઘેલ, ચરણદાસ મહંત અને તામ્રધ્વજ શાહુના નામો ચર્ચાય છે. આવતીકાલે વિધાનસભા પક્ષની બેઠક મળશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે કોર ગ્રુપની બેઠક બોલાવી પરિણામો અંગે ચર્ચા?કરી છે.
Published on: Wed, 12 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer