ગુજરાતમાં ખેડૂતોને રવી સિંચાઈ માટે પાકોની જરૂરિયાત મુજબ ચાર પાણ અપાશે : નીતિન પટેલ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16: નમ4દાના ત્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવા છતાં રાજ્યસરકારે ખેડૂતોના હિતમાં સમયસર નિર્ણય લઇ તા.28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોને રવી સિંચાઇ માટે પાકોની જરૂરિયાત મુજબ ચાર પાણ અપાશે, એમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. 
નીતિનભાઇ પટેલે કહ્યું કે, નર્મદા નદીમાં કેવડીયાથી ભરૂચના દરિયા સુધીના વિસ્તારમાં પાણીનો પ્રવાહ યથાવત રહે, નર્મદા કાંઠે વસતા લોકોને બારે મહિના નર્મદાના મીઠા નીર ઉપલબ્ધ થાય અને દરિયો આગળ વધતો અટકે એવા તમામ પર્યાવરણીય હેતુ માટે નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં એટલે કે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું પાણી એ પાણીનો વેડફાટ નથી પરંતુ પર્યાવરણીય જરૂરિયાત છે. 
નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્દેશ મુજબ બંધની હેઠવાસમાં પર્યાવરણીય જરૂરિયાત સંતોષવા સતત 600 ક્યુસેક પાણી છોડવાનું હોય છે. જે અત્યાર સુધી પોન્ડ નં.3માંથી ગોડબોલે ગેટ દ્વારા છોડવામાં આવતું હતું. જે હવે ગરુડેશ્વર વિયરમાં  પણ ગેઇટ લાગી જતા તેના મારફતે હેઠવાસમાં છોડવામાં આવે છે. આ માટે ગરુડેશ્વર વિયરની ઉપરવાસમાં પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, જે પાણીનો બગાડ નથી, નિર્ધારીત થયેલ 600 ક્યુસેક પાણી હેઠવાસમાં સતત છોડાઇ રહેલ છે. 
તેમણે જણાવ્યું કે, ગુજરાતને ફાળે આવતા 9 મિલિયન એકર ફીટ પાણીના જથ્થાની સામે ચાલુ સાલે નર્મદાના ત્રાવ વિસ્તારમાં ઓછો વરસાદ થતા ગુજરાતને ફાળે 6.83 મિલિયન એકર ફીટ પાણી આવવા સંભવ છે. આમ, લગભગ 25 ટકા ઓછું પાણી મળેલ હોવા છતાં  રાજ્યસરકારે ખેડૂતોના હિતમાં સમયસર યોગ્ય નિર્ણય લઇ ખરીફ ઋતુમાં ટેકાની સિંચાઇ માટે આશરે 1.75 મિલિયન એકર ફીટ પાણી આપેલ છે તેમજ ચાલુ રવી ઋતુમાં પણ સરકારે સમયસર જાહેરાત કરી તે મુજબ તા.12 નવેમ્બરથી દરરોજ 18 થી 20 હજાર ક્યુસેક પાણી આપવામાં આવે છે. જે અત્યાર સુધીમાં 1.15 મિલિયન એકર ફીટ જેટલો જથ્થો થાય છે. અગાઉથી જાહેરાત કર્યા મુજબ તા. 28 ફેબ્રુઆરી સુધી રવી સિંચાઇ માટે પાકોની જરૂરિયાત મુજબ કુલ લગભગ ચાર પાણ આપવામાં આવશે. 
નહેર માળખાના કામો હજુ બાકી હોવા અંગે જણાવતા નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, નહેર માળખાની કુલ અંદાજીત 71,000 કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ  જોતા લગભગ 68,000 કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર-2018ના અંત સુધીમાં 60,169 કિલોમીટર  લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલ છે એટલે કે 88 ટકા કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમતાવાળી સબ માઇનોર નહેરોના છે એટલે એ દિશામાં પણ સંતોષકારક કામગીરી થઇ રહી છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer