કમલા મિલ્સ આગ કેસના ત્રણ આરોપીઓને આખરે જામીન મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : સુપ્રીમ કોર્ટે ગયા ડિસેમ્બર મહિનામાં 14 જણનો ભોગ લેનારી કમલા મિલ્સ આગ કેસના ત્રણ આરોપીઓને એક વર્ષ બાદ જામીન આપ્યા હતા.
વન અબોવ રેસ્ટોરન્ટના માલિકો કૃપેશ અને જિગર સંઘવીને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે આરોપીઓને જામીનના હુકમની નકલો આપવામાં વિલંબ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટની ટીકા કરી હતી.
ન્યાયાધીશો જસ્ટિસ એ. કે. સિકરી અને એસ. અબ્દુલ નઝીરની બનેલી બૅન્ચે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે અમે એવા મતના છીએ કે, જામીનના હુકમની નકલો તત્કાળ પક્ષકારને સુપરત કરવી જોઈએ અને તેમાં વિલંબ કરવો ન જોઈએ. અમે એટલે હાઈ કોર્ટની આવી પ્રથાની કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ, એમ બેન્ચે વધુમાં જણાવ્યું હતું.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, આવા જ કેટલાક કેસોમાં આરોપીઓને જામીન અપાતા હોય છે અને ટ્રાયલ ચાલતી હોય ત્યારે સંઘવીભાઈઓને પણ જામીન પર મુક્ત કરી શકાયા હોત. આ બન્ને ભાઈઓ જાન્યુઆરીમાં તેમની ધરપકડ થઈ ત્યાર બાદ જેલમાં છે. 1 નવેમ્બરના હાઈ કોર્ટે તેમના જામીન નકારી કાઢ્યા હતા.
ગયા સપ્તાહે અન્ય આરોપી મોજો બિસ્ટ્રોના માલિક યુગ પાઠકને પણ જામીન આપવામાં આવ્યા હતા. પાઠકના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે પાઠકને જામીન આપ્યા હતા.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer